આગામી તા.૨૬ મી જાન્યુઆરી, ૨૦૨૨ ના ૭૩ માં પ્રજાસતાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર હોય નિવાસી અધિક કલેક્ટર જે. ડી. પટેલના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે બેઠક મળી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે. ડી. પટેલે ૭૩ માં પ્રજાસત્તાક પર્વના રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણી વર્તમાન કોવિડની પરિસ્થિતિને અનુલક્ષીને કરવામાં આવનાર હોઇ તે અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.
૭૩ માં પ્રજાસત્તાક પર્વ પ્રસંગે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સવારના ૯-૦૦ કલાકે રાજ્યનાં અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે. બેઠકમાં નિવાસી અધિક કલેકટર એ સમગ્ર કાર્યક્રમ કોવિડ-૧૯ની માર્ગદર્શિકા અનુસાર આયોજિત થાય તેની તકેદારી રાખવાની સાથે કાયદો-વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પોલીસ પરેડ, પાર્કિગ, સાફ-સફાઇ, વૃક્ષારોપણ સહિત આનુસાંગિક વ્યવસ્થાઓની વિગતવાર ચર્ચા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું. આ બેઠકમાં ડીવાયએસપી, પ્રાયોજના વહીવટદાર અસારી, પ્રાંત અધિકારી એન. આર. પ્રજાપતિ સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.