શિક્ષણ એ સુટેવોનો સમૂહ છે અને મનુષ્યના જીવનને સાર્થક બનાવે છે :
શિસ્તબધ્ધ વ્યક્તિ એક શિસ્તબધ્ધ સમાજની રચના કરે છે જેનાથી રાષ્ટ્ર શિસ્તના ઉન્નત સ્તર સુધી પહોંચે છે અને પ્રગતિ સાધે છે.
શિક્ષણજ્ઞાનની સાથે સાથે સંસ્કાર સિંચનનું કાર્ય તપોવન સંસ્કારકેન્દ્ર કરી રહ્યું છે જે સરાહનીય છે
-: મહામહિમ રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીજી
તપોવન સંસ્કારકેન્દ્ર ભરૂચ શહેરમાં પૂણ્ય સલીલા મા નર્મદાના સાંનિધ્યમાં શાંત, રમણીય, પ્રેરક અને પવિત્ર વાતાવરણમાં સંસ્કાર સિંચનની પ્રવૃત્તિઓથી સભર વિદ્યાસંકુલ તપોવન પોતાની ઉજ્જવળ અને યશસ્વી કારકિર્દીના ૨૫ માં વર્ષમાં પ્રવેશની ઉજવણીના ભાગરૂપે રજત જયંતિ મહોત્સવ ઉજવણી કાર્યક્રમનું આયોજન આજરોજ વિશ્વમહિલા દિને મહામહિમ રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીજીના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. તેમણે દીપ પ્રાગટય કરી રજત જયંતિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે પરમ પ્રમાણ દર્શનાલય, પારડી વલસાડના પ.પૂ.સ્વામિની સત્પ્રિયાનંદજી, જાણીતા શિક્ષણ વિદ્ ર્ડા. ઇલાબેન નાયક, સંસ્થાના પ્રમુખશ્રી દિનેશભાઇ પંડયા, ટ્રસ્ટીશ્રી જયંતિભાઇ પંચાલ અને નિયામકશ્રી જાગૃતિબેન પંડયા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મહામહિમ રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીજીએ જણાવ્યું હતું કે, ભરૂચ સ્થિત તપોવન સંસ્કારકેન્દ્ર પોતાના ૨૫ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે આ ભવ્ય સમારંભનો અતિ મહત્વનો ભાગ બનવાનો અને માં નર્મદાના સાનિધ્યમાં આવવાનો સુંદર અવસર મને મળ્યો છે. એ મારા માટે અત્યંત સૌભાગ્યની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે, ભરૂચનું પૌરાણિક નામ ભૃગુકચ્છ હતું કારણકે મા નર્મદાના તટ પર ભૃગુઋષિએ તપસ્યા કરી હતી. આથી તેમના નામ પરથી આ નામ પડયું છે. આ ભૂમિ અનેક ઋષિઓની તપોભૂમિ રહી છે. એટલે જ આ તપોવન સંકુલનું નામકરણ યથાયોગ્ય રીતે થયું છે જે મને અત્યંત મનોભાવન છે. તેમણે સંસ્થાની રજત જયંતિ મહોત્સવ નિમિત્તે સંસ્થાના હોદ્દેદારો, પ્રાધ્યાપકો, ટ્રસ્ટીગણને શુભકામના પાઠવી હતી. આજે સંજોગોવસાત વિશ્વ મહિલા દિવસ છે ત્યારે તેમણે સવિશેષ આનંદ વ્યક્ત કરી મહિલાઓને શુભકામના પાઠવતા તપોવન સંકુલમાં મહિલા ઉત્કર્ષ માટે સવિશેષ પ્રાધ્યાન્ય આપવામાં આવે તેવી અપેક્ષા સેવી હતી.
રાજ્યપાલશ્રીએ તપોવન સંકુલમાં શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠ શાળામાં સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કરાવવામાં આવે છે. ઉપરાંત ભારતીય સંસ્કૃતિની ગુરૂ પરંપરા અનુસાર ઋષિકુમારોને આચાર્ય અને ગુરૂજનો ધ્વારા જ્ઞાન આપવામાં આવે છે તેની પ્રશંસા વ્યક્ત કરતાં પ્રાચીન યુગમાં તપોવન પધ્ધતિથી અધ્યયન ભગવાન રામ, કૃષ્ણ અને સુદામાએ લીધુ હતું તેનું પ્રત્યક્ષ ઉદાહરણ જોવા મળ્યું છે તેમ જણાવી તપોવન સંસ્કારકેન્દ્રમાં છાત્રોના સર્વાંગી વિકાસ માટે જે કાર્ય થઇ રહ્યું છે તે સરાહનીય છે તેમ જણાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, શિક્ષણ એ સુટેવોનો સમૂહ છે જેથી વ્યક્તિની ટેવોનો એક ભાગ બને છે અને મનુષ્યના જીવનને સાર્થક બનાવે છે. તેમણે શિક્ષણના વિવિધ પાસાઓનું મહત્વ સમજાવતા શિક્ષણના માધ્યમથી આપણે છાત્રોના મનમાં સંવેદના પ્રગટાવવી જોઇએ. વિનમ્રતા, નિયમિતતા, વફાદારી, પ્રમાણિકતા, સચ્ચાઇ વગેરે અત્યંત ઉપયોગી મૂલ્યો છે પરંતુ શિસ્ત વગર તે દરેક અશક્ય છે. શિસ્તબધ્ધ વ્યક્તિ એક શિસ્તબધ્ધ સમાજની રચના કરે છે. જેનાથી રાષ્ટ્ર શિસ્તના ઉન્નતસ્તર સુધી પહોંચે છે અને પ્રગતિ સાધે છે. શિસ્ત એ માત્ર શાળા કે મહાશાળામાં લાગુ પાડવામાં આવેલ શબ્દ નથી. આ સામાજીક કાર્ય ઔદ્યોગિક એકમો અને રોજગારીના ક્ષેત્રોમાં પણ લાગું પાડી શકાય છે અને આ બધા વિચારોના અનુસરણ માટે તેમને અપેક્ષા સેવી સંસ્થાની પ્રગતિ માટે અભિનંદન સાથે સંસ્થાના શિક્ષણની સાથે સાથે સંસ્કાર સિંચનનું સરાહનીય કાર્ય કરે છે તેને બિરદાવ્યું હતું.
સ્વામીની સત્પ્રિયાનંદજીની એ સંસ્થાની રજત જયંતિ મહોત્સવ નિમિત્તે આનંદની લાગણી વ્યક્ત કરી સંસ્થાની પ્રગતિને બિરદાવી હતી. તેમણે વિશ્વ મહિલા દિન નિમિત્તે ભારતીય સંસ્કૃતિમાંસ્ત્રીશક્તિનું મહત્વ સમજાવ્યું હતું. શિક્ષણ વિદ્ ર્ડા ઇલાબેન નાયકે સંસ્થાની પ્રગતિને બિરદાવી આજે વિશ્વ મહિલા દિન શાના માટે અને કેમ? તે વિશે પોતાના વિચારો રજૂ ર્ક્યા હતા. તેમણે વિશ્વમાં મહિલા દિન ઉજવણીના ૧૦૦ વર્ષ થયા જ્યારે ભારત દેશમાં મહિલા દિન ઉજવણીના ૫૦ વર્ષ થયા છે જે બાબતે પ્રકાશ પાડયો હતો. કાર્યક્રમના પ્રારંભમાં તપોવન સંસ્કાર કેન્દ્રના પ્રમુખશ્રી દિનેશભાઇ પંડયાએ સ્વાગત પ્રવચનમાં સંસ્થાની ૨૫ વર્ષની યશોગાથા વર્ણવી હતી. તપોવન સંસ્કારકેન્દ્રના સમૃતિ અંકનું વિમોચન તથા સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થીઓને ‘‘બેસ્ટ સ્ટુન્ડ ઓફ ધ યર” ટ્રોફી એનાયત રાજ્યપાલશ્રીના હસ્તે એનાયત કરવામાં આવી હતી. સંસ્થાના બી.એડ. તથા બી.કોમ.ના વિદ્યાર્થીઓ ધ્વારા ‘‘ગુજરાત ગૌરવગાથા” પર સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આભારવિધિ તપોવન સંસ્કારકેન્દ્રના નિયામક જાગૃતિબેન પંડયા ધ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં રાષ્ટ્રગીતનું સમૂહગાન થયું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા અગ્રે, જિલ્લા પોલીસ વડાશ્રી સંદિપ સીંગ, તપોવન સંસ્કાર કેન્દ્રના ટ્રસ્ટીશ્રીઓ, અધ્યાપકગણ, વિદ્યાર્થી ભાઇઓ-બહેનો, શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.