પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામ નજીક ની સિમમાંથી પરીયેજ માઇનોર કેનાલ પસાર થાય છે, જે કેનાલમાં છેલ્લા કેટલાંય દિવસોથી લીકેજ થતા આસપાસના ખેડૂતોના ઉભા પાકને નુકશાની થવા પામી છે, ખેતરોમાં જળ ભરાવાના કારણે મગ સહિતના ઉભા પાકને નુકશાન થતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ કેનાલમાં લીકેજ અંગેની અનેકવાર તંત્રમાં રજુઆત કરી છે છતાં તે બાબતે તંત્રએ યોગ્ય ધ્યાન ન આપતા આખરે ખેતરોમાં વ્યાપક પ્રમાણમાં જળ પ્રવેશી જવાના કારણે ખેતરોમાં જઈ શકાય કે પાક લઈ શકાય તે પ્રકારની સ્થિતિ રહી નથી જે બાદ ખેતરોમાં રહેલો મગ સહિતનો પાક પણ બગડી જતા ખેડૂતો પાયમાલ સ્થિતીમાં મુકાઇ ગયા છે.
અંદાજીત ૮ વીંગાથી વધુ જમીનમાં કેનાલના પાણી પ્રવેશી ચુક્યા છે, જે બાદ હવે અસરગ્રસ્ત ખેડૂતો તંત્ર સામે લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે, ખેડૂતોનું જણાવવું છે કે જે સમયથી આ સ્થિતિનું સર્જન થયું છે ત્યારથી લઇ અત્યાર સુધી અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર તરફથી ઉડાવ જવાબો આપી મામલે કંઈ ધ્યાન ન આપતા આખરે લડતનું રનસીંગુ ફૂંકવામાં આવ્યું છે, અને જવાબદારો સામે પગલાં લેવા માટે પોલીસ મથક સહિતના વિભાગોમાં ફરિયાદની તજવીજ હાથધરી છે.
હારુન પટેલ : ભરૂચ