તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરિવર્તન પરિવાર પેનલ નો ભવ્ય વિજય થયો હતો.
૧૬ વોર્ડમાથી ૧૨ વોર્ડમાં પરિવર્તન પેનલ પરિવારના સદસ્યો વિજેતા જાહેર થયા હતા. ચૂંટાયેલા પાંખને સોમવારના રોજ ભરૂચના નાયબ મામલતદાર સાવંત ડી. મેહ, પાલેજ ગ્રામ પંચાયત તલાટી કમમંત્રી કરણ સિંહ ચાવડા તેમજ સ્વરાજ પટેલની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતનો ચાર્જ સોંપાયો હતો. સાથે સાથે ઉપસરપંચની પણ વરણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ઉપસરપંચ તરીકે પરિવર્તન પરિવાર પેનલના શબ્બીર ખાન પઠાણની દરખાસ્ત આયશા બેને કરી હતી જેને પરિવર્તન પરિવાર પેનલના બાર સદસ્યોએ સર્વાનુમતે મંજૂરી આપતા ઉપસરપંચ તરીકે શબ્બીરખાન પઠાણ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપસરપંચની યોજાયેલી ચૂંટણીમાં વિપક્ષના ચાર સદસ્યો ગેરહાજર રહ્યા હતા. ઉપસરપંચ તરીકે વિજેતા બનેલા શબ્બીર ખાન પઠાણે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે હું અને મારી ટીમ પાલેજના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહીશું અને નગરના બાકી રહેલા વિકાસના કામો પૂર્ણ કરીશું. પરિવર્તન પરિવાર પેન લે ચાર્જ સાંભળતા સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને આતશબાજી કરી ઉજવણી કરી હતી.
યાકુબ પટેલ, પાલેજ