ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે, મકરસંક્રાંતિના તહેવારને મનાવવા જિલ્લાવાસીઓ જ્યાં એક તરફ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે તો બીજી તરફ પતંગની દોરીથી ગળા કપાયાની ઘાતક ઘટનાઓ સામે આવી હતી, જેમાં ત્રણ અલગ અલગ બનાવોમાં એક મહિલાનું મોત સહિત અન્ય બે પુરુષો ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, ત્યારે હવે ચાઇનીઝ દોરીના વિક્રેતાઓ સામે પોલીસ કડક બની છે.
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં પોલીસે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વિવિધ વેપારીઓને ત્યાં દરોડા પાડયા હતા જેમાં બે સ્થળોએથી ચાઇનીઝ દોરી પોલીસે કબ્જે કરી વેચાણ કરતા વેપારીઓની ધરપકડ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જેમાં આજે નારયણ નગર -૧ ના મકાન નં. ૧૪ માં રહેતા પવનકુમાર દિનેશચંદ્ર મહેતા નાઓ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોય જે આધારે તપાસ કરતા પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના ફિરકા નંગ – ૧૦ મળી આવેલ જે દરેકની અંદાજીત કીંમત રૂ.૩૦૦/- લેખે ગણતા કુલ કિંમત રૂ.3000/- નો મુદ્દામાલ કબ્જે કરી ભરૂચ શહેર ” એ ” ડીવી. પો.સ્ટે. ખાતે ગુ.ર.ગુનો નોંધવામાં આવેલ છે. તો તંત્ર દ્વારા પણ જિલ્લામાં પતંગ દોરાના કારણે અકસ્માતની ઘટનાઓ ઉપર અંકુશ લાદવા માટે વિવિધ ફ્લાય ઓવર ઉપર તાર લગાડવાની સાથે વાહન ચાલકો માટે સેફટીની સુવધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.