ભરૂચ પૂર્વ પટ્ટીના કડોદ, તવરા, કરજણ, નિકોરા સહિત આસપાસના ગામોના ખેડુતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ બપોરે મળતી વીજળીનો સમય બદલી રાતનો કરી દેવાતા કડોદ સબસ્ટેશન ઉપર ખેડૂતો રજુઆત કરવા ધસી ગયા હતા.
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કડોદ સબ સ્ટેશન પરથી આપતી કૃષિલક્ષક વીજળીનો સમય ગુરૂવારથી અચાનક રાતનો કરી દેવામાં આવતા ખેડૂતોમાં દેકારો મચી ગયો છે. ઠંડી અને ઝેરી જાનવર તેમજ દીપડાના ભય વચ્ચે રાતે મળતી વીજળીમાં ખેતરે પાણી આપવામાં જોખમ હોવા સાથે ખેડૂતોએ ઉગ્ર રજુઆત કરી છે. અચાનક ખેડૂતોને આપવામાં આવતી વીજળી જે દિવસને બદલે રાત્રિનો સમય કરતા કેટલાક ખેડૂતોના ખેતરોમાં ઓટો સિસ્ટમમાં રાખેલી મોટરો આચનક વીજળી રાત્રે અપાતા ખેતરોમાં પાણી ફરી વળતા પાકને પણ નુકસાન થયું હોવાનો આક્રોશ ઠલવાઇ રહ્યો છે. ફરીથી ખેડૂતોને દિવસમાં આપવામાં આવતી વીજળી રેગ્યુલર મળે એવી માંગ સાથે ખેડૂતો વીજ મથક પર ઉમટી પડ્યા હતા.