આજે ગાંધીનગર ખાતે સહકાર સચિવને સંદીપ માંગરોલા એ રૂબરૂ મળી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો સહકારી ક્ષેત્રમાં કાવાદાવા અને કિન્નાખોરી ભરેલું રાજકારણ કરી રહ્યા હોવાની ફરિયાદ કરી છે. રાજ્યમાં સહકાર વિભાગના અધિકારીઓ તેઓના દબાણ હેઠળ ખોટી કાર્યવાહીઓ રાજકીય બદલાની ભાવનાથી કરાવી રહ્યા ના અનેક દાખલાઓ બની રહ્યા છે. તેમાં પણ સહકારી કાયદાની કલમ 76 બી- અને 93 તેમજ બજાર અધિનિયમની કલમ 13 નો દુરુપયોગ થઈ રહ્યો છે. સહકાર વિભાગના વિવિધ કાર્યાલય દ્વારા અરજદારોની કાર્યવાહી અંગે પણ પક્ષપાત કરાઇ રહ્યો છે. સહકાર વિભાગની તમામ કચેરીઓ જાણે ભારતીય જનતા પાર્ટી નું કાર્યાલય બની ગઈ હોય એ મુજબનું સંચાલન થઇ રહ્યું છે. જે સહકારી પ્રવૃત્તિ માટે ખૂબ જ ઘાતક છે. ભરૂચ જિલ્લામાં હાલમાં જ કોંગ્રેસમાં જોડાયેલા સહકારી અને રાજકીય અગ્રણી એવા એપીએમસી હાંસોટ માં વિજયસિંહ પટેલ અને વાલિયા એપીએમસીમાં સંદીપ માંગરોલા સામે બજાર અધિનિયમ ની કલમ 13 નો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાયેલા ચેરમેનો શાસનમાં છે ત્યાં અરજદારોની ફરિયાદ પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જે મંડળીઓમાં ચૂંટણી ની મુદત પૂરી થઈ છે ત્યાં છેલ્લા બે વર્ષથી દરખાસ્તો પેન્ડિંગ પડી છે છતાં ચૂંટણી કરાવવામાં આવતી નથી એવા અનેક દાખલાઓ છે.
વધુમાં દક્ષિણ ગુજરાતની ખાંડ મંડળીઓની ચૂંટણી નિર્દિષ્ટ મંડળીના નિયમો મુજબ પુનઃ કરવાની થતી હોય એ બાબતે પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તત્કાલીન સહકાર મંત્રી ઇશ્વરભાઈ પટેલના પોતાના અંગત સ્વાર્થને કારણે દક્ષિણ ગુજરાતની તમામ ખાંડ મંડળીઓમાં કાયદા વિરુદ્ધ પોતાને અનુકૂળ નિયમો બનાવી ખોટી ચૂંટણીઓ કરાવી દીધી છે. તેઓની પોતાની પંડવાઈ સુગર માં પેટા કાયદા વિરુદ્ધ ની ચૂંટણી કાર્યવાહી થઈ છે તેમજ હાલમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રાથમિક મંડળીમાં ખાંડ મંડળીઓ ને તબદીલ કરવાનો વિધાનસભા દ્વારા ઘડાયેલા કાયદાને ગેરબંધારણીય ઘણી રદ કરવામાં આવેલ છે. જે અનુસંધાનમાં દક્ષિણ ગુજરાતની તમામ ખાંડ મંડળીઓની ચૂંટણી પુનઃ કરવાની થાય છે. આમ છતાં યેનકેન પ્રકારે ચૂંટણીઓ ભાજપના આગેવાનોના ઇશારે કરાઈ રહી નથી.
દક્ષિણ ગુજરાતની તમામ પ્રકારની સહકારી મંડળીઓમાં ભાજપના આગેવાનોના ઇશારે ખોટી કાર્યવાહીઓ થઈ રહી છે. જે ખોટી નિયમ વિરુદ્ધ હોય અટકાવવી જોઈએ અને તમામ અરજદારોની રજૂઆત પરત્વે સહકાર વિભાગ દ્વારા નિયમોનુસાર કાર્યવાહી થવી જોઈએ. અરજદારને સંતોષકારક જવાબો લેખિતમાં મળવા જોઈએ એ બાબત ની રજૂઆત સહકાર સચિવ શ્રી નલીન ઉપાધ્યાયની રૂબરૂ મળી કરી હતી. દક્ષિણ ગુજરાતની અનેક સુગર ફેકટરીઓના સભાસદોએ ખાંડ નિયામક અને સરકાર સમક્ષ વિવિધ પ્રશ્નો બાબતે અનેક રજૂઆતો કરી છે. આમ છતાં તેઓની અરજી પરત્વે કોઇ પ્રત્યુત્તર આપવામાં આવતો નથી અને બીજી બાજુ ભાજપના આગેવાનોના ઇશારે બનાવટી અરજદારો દ્વારા ખોટા ઉપજાવી કાઢેલા પ્રશ્નો બાબતે વળતી ટપાલે કાર્યવાહી થઈ રહી છે જે કોના ઇશારે થઇ રહી છે જે તપાસનો વિષય છે જે બતાવે છે કે સહકાર વિભાગ દબાણ હેઠળ પક્ષપાતી ભૂમિકા ભજવી રહ્યો છે.
ઉપરોક્ત બાબતે સમગ્ર સહકારી ક્ષેત્રના ભાજપના ઓઠા હેઠળ કામ કરતા સ્થાપિત આગેવાનોને આવનારા સમયમાં ખુલ્લા પાડવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી સુખરામ રાઠવા ના નેતૃત્વમાં કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોનું એક પ્રતિનિધિમંડળ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને મળીને સહકારી ક્ષેત્રમાં કિન્નાખોરી રાખી કરવામાં આવતી કાર્યવાહી અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.