ભરૂચ જીલ્લામાં ઓમિક્રોન પોઝિટીવનો પ્રથમ દર્દી આવતા ભરૂચ જિલ્લાના વહીવટી તંત્ર, આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે એટલુ જ નહીં પરંતુ લોકોમાં પણ ભય વ્યાપી ગયો છે. આ અંગેની વિગત જોતાં ભરૂચ જીલ્લામાં ગત તા.25/12/21 ના રોજ યુ.કે થી ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામ ખાતે ત્રણ ઇસમો આવ્યા હતા જે કોરોના પોઝિટીવ હતા જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ મહિલાને ઓમિક્રોનના લક્ષણો જણાતા તેનું સેમ્પલીંગ કરાયું હતું. સેમ્પ્લના ચેકિંગ માટે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા જ્યાં ગતરોજ તા.31/12/21 ના રોજ ઓમિક્રોન પોઝિટીવ આવતા ભરૂચ જીલ્લામાં પ્રથમ ઓમિક્રોન દર્દી જણાયો હતો જેના પગલે હવે લોકોમાં ભય વ્યાપી ગયો છે.
અત્રે નોંધવું રહ્યું કે છેલ્લા કેટલાય દિવસોથી ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા રોકેટ ગતિથી આગળ ધપી રહી છે ત્યારે ઓમિક્રોન પોઝિટીવ દર્દી આવતા આ ઝડપ વધે તેવી શકયતા નકારી શકાતી નથી. હાલ ઓમિક્રોન પોઝિટીવ દર્દીને ભરૂચની ખાનગી હોસ્પીટલમાં સારવાર અપાઈ રહી છે. જોકે ઓમિક્રોન પોઝિટીવ દર્દીના કુટુંબીજનોનું ટેસ્ટિંગ કરાતા તેઓ કોઈ પોઝિટીવ જણાયા નથી.