ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ૧૩૭ માં કોંગ્રેસ પક્ષની સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. વડીલોના ઘર ખાતે વડીલોને ભોજન કરાવામાં આવ્યું હતું.
ભારત દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી એવી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના 28 ડિસેમ્બર 1885 ના રોજ મુંબઈ ખાતે થઈ હતી જેને 137 વર્ષ પૂર્ણ થતા ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતભરમાં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે તા. 28/12/21 થી 4/1/22 સુધી વિવિધ કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ પક્ષના ૧૩૭ માં સ્થાપના દિવસના અનુસંધાનમાં તા. ૨૮-૧૨-૨૦૨૧ થી તા. ૦૪-૦૧-૨૦૨૨ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સુચના અનુસાર ગુજરાતના તમામ જિલ્લામાં રાખવામાં આવેલ છે. જેના સંદર્ભે આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કસકના વૃદ્ધાશ્રમ ખાતે વડીલોના ઘરે વડીલોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી વૃદ્ધાશ્રમમાં વડીલોને ભોજન પીરસ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલ સિંહ રણાએ જણાવ્યું હતું કે 100 વર્ષ કરતા વધુ વર્ષોનો જેનો ગૌરવવંતો ઇતિહાસ છે તેવી કોંગ્રેસ પાર્ટી દ્વારા સમાજનાં દરેક વર્ગની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે છે. તેથી જ કોંગ્રેસ લોકોના હ્રદયમાં સ્થાન ઘરાવે છે.