ભરૂચ જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો હોય તેમ લાગી રહ્યું છે, ખાસ કરી પાલેજ અને સુરત વચ્ચે ને.હા ૪૮ પર રોજ એક અકસ્માતની ઘટના સામે અવતી હોય છે, કેટલાક બનાવોમાં રાહદારીઓ સાથે અકસ્માત સર્જાય છે તો કેટલાક બનાવોમાં વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા હોય છે.
ભરૂચના નબીપુર નજીક પણ આજ પ્રકારની એક ઘટના આજે વહેલી સવારે બની હતી, જેમાં એક ડમ્પરની પાછળ અન્ય એક ટ્રેલર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માત બાદ ટ્રેલરની કેબિનનો ભાગ દબાઈ જતા તેમાં સવાર ડ્રાઈવર પણ આ કેબિનમાં ફસાયો હતો, ડ્રાઈવરનો પગ કેબિનના ભાગમાં ફસાઈ જતા તેને બે કલાકનું રેસ્ક્યુ ઓપરેશન હાથધરી બાદમાં તેને કાઢવામાં આવ્યો હતો.
નબીપુર ખાતે સર્જાયેલ અકસ્માત બાદ ફસાયેલ ડ્રાઈવરને બચાવવા માટે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગની પણ મદદ લેવામાં આવી હતી પરંતુ ફાયરના લશ્કરોની મથામણ બાદ પણ ડ્રાઈવર ન નીકળતા આખરે કટર મશીન મંગાવી ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો, અકસ્માતના પગલે એક સમયે નબીપુર નજીક હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે નબીપુર પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ હાઇવેને ખુલ્લો કરાવી ટ્રાફિકને હળવો કર્યો હતો.