ભરૂચ જિલ્લાની લીડ બેંક, બેંક ઓફ બરોડા દ્વારા રૂા.૩૫૮૩ કરોડનો ક્રેડિટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્લાન અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં લોન માટેની રકમ નક્કી કરવામાં આવી છે. ક્રેડિટ પ્લાનનું કલેક્ટરશ્રી સંદિપ સાગલેના વરદહસ્તે વિમોચન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા અગ્રે, બેંક ઓફ બરોડા રીજીયોનલમેનેજરશ્રી કું. દક્ષાબેન શાહ, આર.બી.આઇ.ના અધિકારીશ્રી બારોટ, લીડ બેંકના મેનેજરશ્રી સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
ક્રેડિટ પ્લાનમાં જિલ્લાની ૩૪ બેંકો ક્રેડિટ પ્લાનમાં મુખ્યત્વે પ્રાથમિકતા પ્રાપ્ત ક્ષેત્ર જેમાં ખેતી માટે રૂા.૨૬૫૨.૩૨ કરોડ, નાના ઉદ્યોગો માટે રૂા.૬૭૫.૫૪ કરોડ તથા અન્ય પ્રાથમિક ક્ષેત્ર જેમાં હાઉસીંગ લોન, શિક્ષણ લોન માટે રૂા.૨૫૫.૨૯ કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. બેંક ઓફ બરોડાને રૂા.૭૪૬.૯૩ કરોડ, સ્ટેટ બેંકને રૂા.૪૭૭.૩૫ કરોડ, ભરૂચ ડીસ્ટ્રીક્ટ બેંકને રૂા.૬૬૧.૯૨ કરોડ, બરોડા ગુજરાત ગ્રામીણ બેંકને રૂા.૪૩૧.૭૭ કરોડ, દેના બેંકને રૂા.૧૦૨.૪૯ કરોડ અને અન્ય બેંકો તેમજ ખાનગી બેંકોને રૂા.૧૧૬૨.૫૪ કરોડનો લક્ષ્યાંક ફાળવેલ છે.
આમોદને રૂા.૨૩૨.૯૮ કરોડ, અંકલેશ્વરને રૂા.૬૪૬.૦૪ કરોડ, ભરૂચને રૂા.૧૦૩૬.૬૪ કરોડ, હાંસોટને રૂા.૧૭.૫૯ કરોડ, જંબુસરને રૂા.૩૭૩.૧૩ કરોડ, ઝઘડીયાને રૂા.૩૪૩.૭૯ કરોડ, વાગરાને રૂા.૪૩૮.૭૯ કરોડ, વાલીયાને રૂા.૧૯૭.૭૩ કરોડ તેમજ નેત્રંગને રૂા.૧૩૮.૧૫ કરોડનો લક્ષ્યાંક ફાળવેલ છે.