ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પ્રાથમિક શાળાથી માંડીને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને ઓફલાઇન શિક્ષણની મંજૂરી આપવામાં આવેલ છે આથી ભરૂચ જિલ્લા એનએસયુઆઈ દ્વારા જો કોઈ વિદ્યાર્થીને કોરોના થાય તો એની સારવારનો ખર્ચ રાજ્ય સરકારે ચૂકવવો જોઈએ તેવું ભરૂચ કલેકટર સમક્ષ આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.
આ લેખિત રજૂઆતમાં એનએસયુઆઇના પ્રમુખ યોગી પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં શાળા કે કોલેજના કોઈપણ વિદ્યાર્થીને કોરોના થાય તો તેની સંપૂર્ણ સારવારનો ખર્ચ રાજ્ય સરકારે ચુકવવાનો રહેશે તેમજ શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓમાં કોરોના કેસમાં સતત વધારો થયો છે આથી વિદ્યાર્થીઓનાં જીવ જોખમમાં મુકાય છે તેમજ જો શાળા-કોલેજો બંધ કરી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓને આ પ્રકારનું શિક્ષણ પરવડે તેમ ન હોય, આથી આગામી સમયમાં શાળા-કોલેજોના અભ્યાસક્રમ પૂર્ણ કરી સરળ અને ટૂંકા અભ્યાસક્રમની પરીક્ષા લઈ દરેક ધોરણે શૈક્ષણિક વર્ષનો અંત કરવો જોઈએ જેથી વિદ્યાર્થીઓનું જીવન જોખમમાં ના મુકાય. આ ઉપરાંત તેઓ પોતાના આવેદનપત્રમાં જણાવે છે કે શાળા-કોલેજો ચાલુ રાખી માત્રને માત્ર ફી ઉઘરાવવાનું ષડયંત્ર કરી રહી છે. ગુજરાત સરકારની બેજવાબદાર શિક્ષણ મંત્રી વાલીઓના સંમતિપત્રક લઈ અને પોતાની જવાબદારીમાંથી દૂર ભાગી વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકવાનું કામ કરે છે આથી વિદ્યાર્થીઓનું જીવન અને તેમના ભાવિ સાથે કોઈ ચેડાં ન થાય તે માટે ત્વરિત ધોરણે શૈક્ષણિક કાર્યોમાં ટૂંકા ગાળાનો અભ્યાસક્રમ કરી પરીક્ષા લઈને આ સત્ર પૂરું કરવું જોઈએ તેવી માંગણીઓ કરી છે.