હેડ કલાર્કની પરીક્ષામાં તાજેતરમાં પેપર લીક કૌભાંડનાં પકડાયેલા આરોપીઓને ભારતીય જનતા પાર્ટી છાવરે છે. ગૌણસેવા પસંદગીમાં પેપર લીક થવાની આ સતત નવમી ઘટના છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. આ મુદ્દે ભરૂચ કલેકટરને આવેદન પણ પાઠવાયું છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકારને આવેદનપત્ર પાઠવી લેખિત રજૂઆત કરાઇ છે. જેમાં જણાવ્યુ છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના આસિત વોરાને તાત્કાલિક એમનાં પદ પરથી દૂર કરવામાં આવે તેમજ પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલ અન્ય તમામ આરોપીઓની તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
આ અગાઉ પેપર લીકને કારણે રદ થયેલ પરીક્ષા સહિતના તમામ વિદ્યાર્થીઓને મહેનતના વળતર તરીકે રૂ.50,000/- ચૂકવવામાં આવે અને ગૌણ સેવા પસંદગી મંડળનાં અધ્યક્ષસ્થાને પ્રામાણિક અને નિષ્પક્ષ અધિકારીની નિમણૂક થાય, આ સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી તપાસ સોંપવામાં આવે અને અટકી પડેલી ભરતી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરી ગુજરાતનાં બેરોજગાર યુવાનોને ન્યાય આપવામાં આવે તેવું આમ આદમી પાર્ટી ભરૂચના કાર્યકરોએ આવેદન પાઠવી જણાવ્યુ છે અને જ્યાં સુધી સરકાર દ્વારા આ મુદ્દે કોઈ નક્કર પગલાં નહીં લેવામાં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ સ્વરૂપે ધરણાં ચાલુ રાખવામા આવશે.