ભરૂચ ખાતે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, ગાયત્રીનગર, ભરૂચ “શ્રી શિવ મહાપુરાણ કથા” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલમાં લેસ્ટર, યુ.કે, લંડન નિવાસી પ્રખ્યાત કથાકાર, પરમ પૂજ્ય મિતેષજી દવે મહારાજ પોતાની દિવ્ય અમૃતવાણીનો લાભ આપી રહ્યાં હતાં. જેમાં આજે કથાના અંતિમ દિવસે “શ્રી સત્યનારાયણની કથા” અને “પોથીયાત્રા” નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કથાના આજે અંતિમ દિવસે કથાકાર મિતેષજી દવે દ્વારા શિવ બાવનીની મહિમાનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું હતું કે “શિવ મહિમાનો ન આવે પાર, અબૂધ જનની થાય હાર, સુર-બ્રહ્મા પણ કાયમ ગાય, છતાંય વાણી અટકી જાય” એટલે કે ભગવાન શિવની મહિમાનું સંપૂર્ણ વર્ણન કોઈ કરી શકતું નથી. સ્વયં બ્રહ્મા અને વિષ્ણુ પણ ભગવાન શિવની મહિમાનું સંપૂર્ણ વર્ણન કરી શકતા નથી, તો પછી સામાન્ય મનુષ્ય તો ભગવાન શિવની મહિમાનું સંપૂર્ણ વર્ણન કેવી રીતે કરી શકે? વધુમાં તેમણે જણાવ્યું હતું કે “તારી શક્તિ કેરું માપ, જે કાઢે તે ખાયે થાપ” એટલે કે ભગવાન શિવની અનંત શક્તિને કોઈ માપી શકતું નથી, અને ભૂતકાળમાં જેમણે-જેમણે ભગવાન શિવની શક્તિને પડકાર આપ્યો છે તેમને હંમેશા થાપ જ ખાધી છે એટલે કે તેમની હંમેશા હાર જ થઈ છે.
વધુમાં તેમણે લોખંડ અને સોનાના ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું કે સોનાને આકાર આપવા માટે લોખંડની હથોડી વડે ટીપવામાં આવે છે એટલે તેને એટલી અસર થતી નથી, પણ લોખંડને આકાર આપવા માટે લોખંડની હથોડી દ્વારા જ ટીપવામાં આવે છે એટલે તેને વધુ અસર થાય છે. તેવી જ રીતે મનુષ્યનું બહારના લોકો અપમાન કરે તો તેને એટલી અસર થતી નથી, પણ પોતાના જ લોકો અપમાન કરે ત્યારે તેને વધુ અસર થાય છે. અને એમાં જ મનુષ્ય દુઃખી થાય છે .માટે દરેક મનુષ્યએ માન-અપમાન સહન કરતાં શીખવું જોઈએ, અને દુઃખી ન થવું જોઈએ.
ભરૂચ : ગાયત્રીનગર જલારામ મંદિર ખાતે શ્રી સત્યનારાયણની કથા અને પોથીયાત્રા યોજાઇ.
Advertisement