ચૂંટણીને ગણતરીના કલાકો છે ત્યારે ભરૂચ તાલુકાના બંબુસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવનાર સરપંચ પદના ઉમેદવારનું દુઃખદ અવસાન થતા ગામમાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી હતી. ચાર ટર્મથી બિનહરીફ ચૂંટાઈ આવતા હતા, ગામમાં 20 વર્ષ પછી પહેલી વાર ચૂંટણી જંગ છેડાયો હતો.
ગ્રામ પંચાયતની ચૂંટણી તેના અંતિમ તબક્કામાં છે. પ્રચારના પડઘમ શાંત થાય એ પહેલા જ ભરૂચ તાલુકાના બંબુસર ગામમાં દુઃખદ ઘટના સર્જાઈ છે. ગામમાં 20 વર્ષ પહેલા ચૂંટણી જંગ સર્જાયો હતો. પરંતુ ચૂંટણી માટે મતદાન થાય એ પહેલા જ સરપંચના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ હોવાના માઠા સમાચાર મળ્યા છે.
ભરૂચ તાલુકાનું બંબુસર ગામની 1200 વસતિ ધરાવે છે. ગામમાં છેલ્લા 20 વર્ષથી ચૂંટણી યોજાઈ નથી. ગામ લોકો ચાર ટર્મથી ઉસ્માનભાઈ ઈસપભાઈ પટેલને બિનહરીફ તરીકે ચૂંટતા હતાં અને ગામમાં અનેક વિકાસના કામો પણ કર્યા છે જેમાં ગામમાં ઇન્ટર્ન્સ ગેટ, પેવર બ્લોકનું કામ ગામના રોડ રસ્તાઓ, ગટરલાઈન, જેવા અનેક વિકાસના કાર્યો પણ તેમણે તેમની 20 વર્ષની સરપંચની કારકિર્દી દરમિયાન કર્યા હતા પરંતુ આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અલગ સમીકરણો હતાં.
20 વર્ષ પછી ગામમાં ચૂંટણીનું વાતાવરણ ઉભુ થયુ હતું. સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉસ્માનભાઈની સામે સઈદ સુલેમાન વલી પટેલે ઉમેદવારી નોંધાવી હતી. વિકાસશીલ પેનલમાંથી ઉમેદવારી કરનાર ઉસ્માનભાઈ આજે જુમ્માની નમાઝ અદા કરવા મસ્જીદમાં ગયા હતા. નમાઝ પઢતી વખતે જ તેમને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યુ હતું. ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રચાર સાંજે શાંત થવાનો હતો. રવિવારે મતદાન થવાનું હતુ. પરંતુ એ પહેલા જ સરપંચ પદના ઉમેદવાર ઉસ્માનભાઈનું દુઃખદ અવસાન થતાં ગામમાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી હતી.
યાકુબ પટેલ, પાલેજ