ભરૂચના વાલિયાના વાગલખોડ ગામ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતમાં મારામારીનો કેસ નોંધાયો છે જેમાં ૩1 જેટલા આરોપીઓએ વોર્ડ નંબર 1 ના ઉમેદવારના મકાનમાં તોડફોડ કરી ઘરેણાં સહિત રોકડની લૂંટ કરી મહિલાઓની છેડતી કરી હતી.
આ બનાવની મળતી વિગતો અનુસાર વાલિયાના વાગલખોડ ગામ ખાતે ધીંગાણું થયું હતું જેમાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને લૂંટ અને મારામારી થઈ હોય તેવા અહેવાલો સાંપડયા છે. આ બનાવમાં વોર્ડ નંબર 1 ના સભ્યપદના ઉમેદવાર સુનિલ વસાવાના ઘરે જઈ ૩1 જેટલા આરોપીઓએ તેમના મકાનમાં તોડફોડ કરી અને મંગીબેન ચુનીલાલ વસાવાની આબરૂ લેવાના ઈરાદે ધસી આવેલા શખ્સોએ રૂપિયા ૪૭ હજારની લૂંટ કર્યાનો પણ ખુલાસો થયો છે. આ બનાવમાં પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો અનુસાર નિલેશ ઉમેદ વસાવા, અરવિંદ વસાવા,રાજેન્દ્ર રણજીત વસાવા, રોહિત રણજીત વસાવા, નિતીન કાલિદાસ વસાવા, મયુર મનિષા વસાવા સહિતના આરોપીઓએ સુનિલ ચુનીલાલ વસાવાના ઘરે જઈ પથ્થરમારો કરી મકાનના છાપરાઓમાં પણ તોડફોડ કરી મહિલાઓની છેડતી કરી ઘરેણાં સહિત રોકડની લૂંટ ચલાવી વોર્ડ નંબર 1 ના ઉમેદવાર પર હુમલો કર્યો હતો. વાલિયા પોલીસ મથકે આ ગુનો નોંધાયો છે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.