ખાનગી રાહે અને ઉંચા વ્યાજે નાણાં લેતા પહેલા વારંવાર વિચારજો કારણ કે હવે વ્યાજખોરો કડક ઉઘરાણી કરી રહ્યા છે. વ્યાજખોરો કાયદાની તમામ મર્યાદાઓ તોડી ઉઘરાણી અંગે તાકાત અજમાવી નાણાં વસુલ કરવા માટે હાથ ચાલાકી કરી રહ્યા છે. એટલુ જ નહીં પરંતુ માનસિક અને શારિરીક ત્રાસ આપી રહ્યા છે. ભરૂચ પોલીસના સી ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાયેલ પોલીસ ફરિયાદ મુજબ ફરિયાદી ગૌરવ લાલુભાઈ મહેતા રહે.મકાન નં.૪૦, ઈસ્કોન ગ્રીન સોસાયટી, તવરા રોડના જણાવ્યા મુજબ આ બનાવના આરોપી સતિષ દિનેશભાઈ ટેલર તેમજ દિનેશ મગનભાઈ ટેલર અને તેમના પત્નિ તમામ રહે.બી. ૫૩ આકાંક્ષી નગરી, દહેજ બાયપાસ દ્વારા વ્યાજે આપેલ નાણાંની ઉઘરાણી અંગે અપશબ્દો અને ગાળો આપી માર મારવામાં આવ્યો હતો તેમજ ઈજા પહોંચાડવામાં આવી હતી. જે અંગે ગૌરવ લાલુભાઈ મહેતા ઉ.વ.૩૫ કે જેઓ પાન – માવાની દુકાન ધરાવે છે અને ઈસ્કોન ગ્રીન સીટી તવરા ખાતે રહે છે તેમને આ બનાવમાં ઈજા પહોંચના પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
તેમના જણાવ્યા મુજબ તા.૧૩-૧૨-૨૧ ના રોજ તેઓ પાનના ગલ્લા પર હાજર હતા ત્યારે રાત્રિના આશરે ૧૦ વાગ્યાના અરસામાં સતિષ ટેલર તેમની પાસે આવી વ્યાજે લીધેલ નાણાંની ઉઘરાણી કરી હતી અને ન આપો તો ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપી સનિષ ટેલર તથા દિનેશ ટેલરે તેમજ તેમના પત્નિએ પાસે આવી માર મારવા માંડયા હતા અને ગાડીમાં બેસાડી દીધા હતા. ગાડીમાં પણ માર મારવામાં આવ્યો હતો. આ મારામારી દરમ્યાન ગૌરવની સોનાની ચેઈન તૂટી ગયેલ અને તેથી આશરે રૂા .૧૦ હજારનું નુકશાન થયું હતુ, આમ વ્યાજખોરો કડક ઉધરાણી કરી રહ્યા છે. આ બનાવ અંગે સી ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે.