આજથી ભરૂચ જિલ્લાના આરોગ્ય વિભાગના આઉટસોર્સીગ કર્મચારીઓના આમરણાત ભૂખ હડતાલની શરૂઆત થનાર હતી પરંતું પોલીસ પરવાનગી ન મળતા આંદોલન હાલ તુરત મોકૂફ રખાયું હતું.
ભરૂચ જીલ્લાના આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને છુટા કરી દેતા તેમજ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલ નાણકીય ઉચાપતના વિરોધમાં આજે તા. 14/12/21 ના રોજથી ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીય સહિત છુટા કરાયેલ કોરોના વોરિયર્સ આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાના હતા પરંતુ ગ્રામ પંચાયતની ચુંટણીઓ તેમજ ઓમિક્રોન વાઈરસે ગુજરાતમાં પ્રવેશ કરેલ હોઈ પોલીસે મંજૂરી આપી ન હતી તેમજ ડીડીઓ દ્વારા ઉચાપત કરનાર એજન્સીઓ તેમજ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપનાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી આપતા આમરણાંત ઉપવાસનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો હતો.
ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયે આક્રોશ સાથે જણાવ્યું કે ગુજરાતમાં ગરીબોને ન્યાય મેળવવા મુશ્કેલ થઈ ગયો છે ભાજપની આ સરકાર અંગ્રેજોને પણ સારી કહેવડાવી રહી છે. ગુલામીના સમયમાં ગાંધીજીને ઉપવાસ આંદોલન કરતા અંગ્રેજો પણ રોકતા નહતા જ્યારે આઝાદ દેશમાં ઉપવાસ આંદોલન ગંભીર ગુનો હોય એમ મંજુરી મળતી નથી. કોરોના વોરિયર્સનું સમ્માન કરવાના દાવા કરનાર ગુજરાત સરકાર અને અધિકારીઓ પોતાની માનિતી એજન્સીઓને બચાવવા ગરીબ કર્મચારીઓની પેટ ઉપર લાત મારી રહ્યા છે.
ભરૂચ : પોલીસ તંત્ર દ્વારા પરવાનગી ન અપાતા આઉટસોર્સિંગ કર્મચારીઓનાં આમરણાંત ઉપવાસનો કાર્યક્રમ મોકુફ રખાયો.
Advertisement