ભરૂચ તાલુકાના ટંકારીયા સ્થિત સેવાભાવી સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મદની શિફા દવાખાના દ્વારા સર્વ રોગ નિદાન શિબિર યોજાઇ હતી. જેમાં ભરૂચ તેમજ ટંકારીયા ગામના તબીબોએ તબીબી સેવાઓ પ્રદાન કરી હતી.
શિબિરનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત તબીબો તેમજ ગામ આગેવાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આયોજિત સર્વ રોગ નિદાન શિબિરમાં ભરૂચના નામાંકિત તબીબ કેતન દોશી સહિત ભરૂચ તેમજ ટંકારીયા ગામના દસ જેટલા તબીબોએ તબીબી સેવાઓ પ્રદાન કરી હતી.
સામજિક કાર્યકર અબ્દુલ કામઠીએ મિડીયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતુ કે મદની શીફા દવાખાના દ્વારા અત્યાર સુધીમાં ૨૬,૦૦૦ જેટલા દર્દીઓએ લાભ પ્રાપ્ત કર્યો છે. મદની શિફા દવાખાના દ્વારા ગામ તેમજ આસપાસના લોકો માટે એમ્બ્યુલન્સ સેવા, બાયપેપ મશીન, ઑક્સિજન બોટલની સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે બદલ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ભરૂચ તેમજ ટંકારીયા ગામના તબીબોએ પોતાનો અમૂલ્ય સમય પ્રદાન કરી જે સેવાઓ પ્રદાન કરી એ બદલ તમામ તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો. આયોજિત સર્વ રોગ નિદાન શિબિરમાં ટંકારીયા ગામના ગ્રામજનોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો. આ પ્રસંગે ટંકારીયા ગામના આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચના ટંકારીયા ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મદની શિફા દવાખાના દ્વારા સર્વ રોગ નિદાન શિબિર યોજાઇ.
Advertisement