ભરૂચ જિલ્લાના પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં આવેલ આર પી ઇન્ડસ્ટ્રીઝમાં રાત્રીના સમયે અચાનક ઉત્પાદન પક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતા ભારે નાસભાગ મચી જવા પામી હતી, બ્લાસ્ટમાં આસપાસ કામ કરી રહેલ ૫ જેટલા કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એક કામદારનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગેની જાણ પાનોલી ફાયર વિભાગમાં થતા ફાયરના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ કંપનીમાંથી ઈજાગ્રસ્ત કામદારોનું રેસ્ક્યુ કરી બહાર કાઢી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો, ઘટનાના પગલે અંકલેશ્વર રૂરલ પોલીસ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા મામલા અંગેની તપાસ શરૂ કરવામાં આવી હતી.
મહત્વની બાબત છે કે ભરૂચ જિલ્લામાં અનેક જીઆઇડીસી વિસ્તારમાં હજારો ઉધોગો આવ્યા છે જેમાં અવારનવાર દુર્ઘટનાઓ સર્જાતી હોય છે જેમાં મોટા ભાગે કામદારોના જીવ જોખમમાં મુકાય અથવા તો મૃત્યુ પામવા સુધીની નોબત આવી જતી હોય છે ત્યારે આ પ્રકારે સર્જાતી દુર્ઘટનાઓ બાદ તંત્રએ પણ હવે કંપનીમાં કામદારોને પૂરતા સેફટીના સાધનો આપવામાં આવે છે કે કેમ તે દિશામાં ઝીણવટભરી તપાસ કરવાની ટાતી જરૂરિયાત જણાય છે, જેથી આ પ્રકારે સર્જાતી ઘટનાઓ ઉપર અંકુશ મેળવી શકાય તેમ છે.