બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેસરના કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં અનેક ઠેકાણે વરસાદ પડવાની શક્યતા ઓ અગાઉ જાહેર કરી હતી.જે સાચી પુરવાર થઇ હતી. ભરૂચના નબીપુર પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવી આકાશમાં વાદળો ચડી આવી વરસાદ પડવાનો શરૂ થયો હતો. જે વહેલી સવારે મળસકાથી લઈ દિવસ દરમ્યાન પણ માંચ પંથકના ગામોમાં છૂટોછવાયો ચાલુ રહ્યો હતો.
સમગ્ર વિસ્તારમાં ચોમાસું ફરી બેસી ગયું હોય એવો માહોલ સર્જાયો હતો. ઠંડીનું પ્રમાણ વધતાં અને વરસાદ દિવસ દરમ્યાન ચાલુ રહેતાં લોકો ઘરોમાં જ કેદ રહ્યા હતા. ખેતીવાડીમાં ઉભા પાકો ખાસ કરીને કપાસમાં જીંદવા ફાટી ગયા હોય કપાસની વીણી ચાલુ હતી અને કમોસમી વરસાદ વરસતા કપાસ પાકને નુક્સાન થવાની ભીતિ સેવાઈ રહી છે. માંચ ગામના ખેડૂતોએ કમોસમી વરસાદ વરસતા તુવેર, કપાસ અન્ય ખેતી પાકોને નુકસાન થવાની શકયતા હોવાનું જણાવ્યું હતુ.
યાકુબ પટેલ, ભરૂચ