દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગતરોજ રાતે ભરૂચ-અંકલેશ્વરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદ પડતાં જ શહેરીજનો ભર શિયાળે ચોમાસાનો અનુભવ કરી રહ્યા છે ત્યારે વરસાદી વાતાવરણ સતત બીજા દિવસે પણ જોવા મળ્યું હતું. વરસાદ વરસતા જ લોકોએ ગરમ વસ્ત્રોને બદલે અભરાઈએ મુકેલ રેનકોર્ટ અને છત્રી લઈ બહાર નીકળવું પડ્યું હતું. જોકે કમોસમી વરસાદને પગલે ખેડૂતોના કપાસ, તુવેર અને શેરડીનો ઉભો પાક તૈયાર થઈ ગયો છે જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારે હજી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વર્ષી રહ્યો છે ત્યારે આજે સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધી ભરૂચ તાલુકામાં 5 મી.મી., આમોદ તાલુકામાં 2 મી.મી., જંબુસર તાલુકામાં 3 મી.મી., અંકલેશ્વર તાલુકામાં 1 મી.મી., વાગરા તાલુકામાં 1 મી.મી., વાલિયા તાલુકામાં 7 મી.મી. મળી કુલ 19 મી.મી. વરસાદ વરસ્યો છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર