ભરૂચ જિલ્લાના પાલેજ નિવાસ્થાને રહેતા તથા વિશ્વ વિખ્યાત ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી (ખાનવાદાએ-ચિશ્તીયા- ફરીદીયા-સાબિરીયા) ના વર્તમાન ગાદીપતિ – સજ્જાદાનશીન હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સુપુત્ર અને અનુગામી ડો.મતાઉદ્દીન ચિશ્તી સાહેબ હાલ ઝાંબિયા તથા મલાવીના પ્રવાસ દરમિયાન વિવિધ વિસ્તારોની મુલાકાત લઇ જ્ઞાન અને પ્રેમનો સંદેશ પહોંચાડી વિશેષત: યુવાન દિકરાઓ તથા દિકરીઓ સુધી જીવન જીવવાના યોગ્ય માર્ગની સમજ પહોંચી શકે એ માટે પ્રયત્નશીલ છે.
વિદેશની ધરતી ઉપર માનવતાની મહેક પ્રસરાવી દિલોને જોડવાના કાર્ય સાથે જ્ઞાનનું મહત્વ સમજાવવા માટેનું ભગીરથ કાર્ય હાલ ચાલી રહ્યું છે, દીર્ધદર્શિતા એટલે કે દૂરંદેશીનો અભાવ દૂર કરવા માટે જ્ઞાન ઉત્કૃષ્ટ અને અસરકારક માધ્યમ છે. ઝાંબિયા તથા મલાવીની વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ સમાજના અગ્રણિઓની મુલાકાતમાં સમાજ ઉપયોગી મુદ્દાઓની વિસ્તૃતમાં ચર્ચા કરી, એ દિશામાં કાર્યરત રહેવા સૌને અનુરોધ કરી, વ્યસનના દૂષણથી દૂર રહી હળીમળીને રહેવા જણાવ્યું હતું.
લુસાકા તેમજ અન્ય શહેરોમાં આયોજિત કાર્યક્રમોમાં મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહી હાજર રહેલા ભાઇ-બહેનો તથા બાળકોને પોતાની આગવી શૈલીમાં સંબોધન કરી જ્ઞાનના વિવિધ તબક્કાઓ જણાવી અનુસરણ પર વિશેષ ભાર મુક્યો હતો. આ ઉપરાંત સૂફી-ઔલિયાઓના જીવનની અનોખી બાબતો અને પરંપરાઓના ઉદાહરણ અનુસરાય ત્યારે જ જીવન વાસ્તવમાં ઉન્નત બની શકે એમ છે. વધુમાં આપે જણાવ્યું હતું કે, હઝરત ખ્વાજા ગરીબ નવાજ (રહ)ના કથન અનુસાર સારી વ્યક્તિનો સંગ સારા કામ કરવા કરતા બહેતર છે, જ્યારે ખરાબ વ્યક્તિનો સંગ ખરાબ કામ કરવા કરતા પણ ખરાબ છે. આ મહિનાના દિવસો મહાન સૂફીઓ મહેબુબે સુબ્હાની ગૌષ પાક (રહ) તથા મેહબુબે ઇલાહી નિઝામુદ્દીન ઔલિયા (રહ) ના હોય તેમના ઉપદેશોને જીવનમાં ઉતારવા જોઇએ, વિવિધ વયના યુવાનોને સંબોધતા તેમણે કહ્યું કે, સંગ જીવનમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે, આજના સમયમાં વ્યકિત સ્વયંથી જ ઘણો દૂર થઇ ગયો છે, સ્વયંથી વ્યક્તિનું અંતર ચિંતાનો વિષય છે, સ્વયંના સમીપે પહોંચશું ત્યારે જ આપણે સર્જનહારના સમીપે પહોંચી શકીશું, સ્વદેશની સંસ્કૃતિ જાળવી એકબીજાને જીવનમાં મદદરૂપ થવા પણ જણાવ્યું હતું.
ઝાંબિયાના કમવાલા, એમસડલ, મકેની તથા મલાવીના લિલોંગવે, લિંબી, મઝુજુ તેમજ આસપાસના અન્ય વિસ્તારોની મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્મોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સમાજના અગ્રણિઓ અને સેવાભાવી સજ્જનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંસરોદના ઈમ્તિયાઝ મોદીએ મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના સૂફીઓની સેંકડો વર્ષોથી ચાલતી આવેલ પરંપરા, રુહાની નિસ્બત, સેવાઓ તથા એચએચએમસી એજયુકેશનલ કેમ્પસની માહિતી પુરી પાડી હતી. અંતમા આપે વિવિધ આયોજનોમાં સહભાગી થનાર તમામ સામાજીક અગ્રણિઓ તેમજ ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કરી દુઓઓ આપી હતી.