ભરૂચ તાલુકાના કહાન ગામમાં આવેલા રાઠોડ વાસ તેમજ વસાવા વાસમાં વર્ષો જૂની સમસ્યાઓનું નિરાકરણ ન થતા ઉપરોક્ત વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાડી વિરોધ વ્યક્ત કર્યો હતો.
મીડિયા ટીમ દ્વારા કહાન ગામના રાઠોડવાસ તેમજ વસાવા વસાહતની મુલાકાત લેતા રહીશોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. ઉપરોક્ત વિસ્તારમાં ગટરો ખુલ્લી જોવા મળી હતી અને ગટરનું ગંદુ પાણી પણ માર્ગ પરથી વહેતું જોવા મળ્યું હતું. રાઠોડ વાસના રહીશ ભરતભાઈએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે વર્ષોથી અમારા વિસ્તારમાં ગટરની સમસ્યા છે. તેમજ સમસ્યાઓ બાબતે રજુઆતો કરી હોવા છતાં કોઈ ધ્યાન ન અપાતું હોવાના આક્ષેપ કર્યા હતા.
જ્યારે શબાના બેને મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે હું પાંચ વર્ષથી આ વિસ્તારમાં રહું છું. ગટરના અભાવે તેમજ ગંદકીના કારણે અમે હાડમારી ભોગવી રહ્યા છે. તો હવે જોવાનું એ રહ્યું કે કહાન ગામના રાઠોડ સમાજના લોકો તેમજ વસાવા સમાજના લોકો દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદાનથી અળગા રહેવાનો જે મક્કમ નિર્ધાર કર્યો છે તે કેવો રંગ લાવશે તે તો આવનારો સમય જ બતાવશે.
યાકુબ પટેલ, પાલેજ