ભરૂચના ટંકારીયા સ્થિત સેવાભાવી સંસ્થા મોહસીને આઝમ મિશન બ્રાન્ચ સંસ્થાની સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત મોહસીને આઝમ ઈંગ્લીશ શાળામાં અભ્યાસાર્થે આવતા છાત્રોને અભ્યાસલક્ષી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ તિલવતે કુરાન શરીફથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નામાંકિત આલીમ દ્વારા નાઅત શરીફના ગુલદસ્તા રજુ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. મૌલાના અબ્દુલ રઝાક સાહેબે સંસ્થાની કામગીરીનો સુંદર ચિતાર રજુ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે મોહસીને આઝમ મિશન સંસ્થા જરૂરતમંદોને અનેક રીતે મદદરૂપ બની રહી છે. તેમજ સંસ્થાના અધ્યક્ષ ઇશાકભાઈની સેવાઓને તેઓએ બિરદાવી હતી.
ત્યારબાદ શાળાની છાત્રાઓએ મોહસીને આઝમ મિશન સંસ્થા વિશે સુંદર કાવ્ય રજુ કર્યું હતું. ત્યારબાદ સંસ્થાના અધ્યક્ષ ઇશાકભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મોહસીને આઝમ મિશન સંસ્થા સમાજની જે સેવા કરી રહી છે તે ખુબ પ્રશંસનીય છે. વર્ષ દરમિયાન સંસ્થા તરફથી જે પ્રવુત્તિ ઓ થઈ રહી છે. તેનો સુંદર ચિતાર રજુ કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રમઝાન શરીફના પવિત્ર માસમાં ગરીબ પરિવારના વ્યક્તિઓને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કિટ્સ સંસ્થા તરફથી પ્રદાન કરવામાં આવે છે.
ચાલુ વર્ષે એક નવી પ્રવૃત્તિમાં સામુહિક ભોજનનું આયોજન હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. નવા સત્રમાં જરૂરીયાત મંદ છાત્રોને અભ્યાસલક્ષી વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે. પર્યાવરણના જતન માટે સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવતો હોવાનું તેઓએ જણાવ્યું હતું. અશક્ત વ્યક્તિઓને એક સમયનું ભોજન મોહસીને આઝમ મિશન સંસ્થા દ્વારા તેઓના ઘર સુધી પહોંચાડવામાં આવતું હોવાનું પણ જણાવ્યું હતું. કોરોના કાળ દરમિયાન સંસ્થા તરફથી જે સેવાઓ પ્રદાન કરવામાં આવી હતી તેનો ચિતાર રજુ કર્યો હતો. કાર્યક્રમના અંતે છાત્રોને અભ્યાસલક્ષી વસ્તુઓનું વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા હતા. અંતમાં સલાતો સલામ તેમજ દુઆઓ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું.
યાકુબ પટેલ, પાલેજ