આજરોજ વહેલી સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો અંગેના ત્રણ કાયદા રદ્દ કરવા અંગેની જાહેરાત કરી હતી તેના પ્રત્યાઘાત પડયા હતા. રાજકીય કિસાન વિકાસ સંઘના પ્રમુખ અરવિંદસિંહ રણાએ જણાવ્યુ હતું કે ખેડૂતોનું આંદોલન ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે અને જે-તે સમતે ઘણી રાજકીય પાર્ટીઓએ અને સંગઠનોએ આ આંગે આવેદનપત્ર પાઠવી ત્રણ કૃષિ કાયદા રદ્દ કરવા અંગેની માંગણી કરી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે-તે વખતે આ અંગે કોઈ ધ્યાન આપ્યું ન હતું.
પરંતુ હવે જયારે ઉત્તરપ્રદેશ, પંજાબ સહિત અન્ય રાજયોની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની આશ જણાય રહી છે ત્યારે ખેડૂતો અંગે ઘડાયેલા ત્રણ કાળા કાયદા રદ્દ કરી મતોનું રાજકારણ ગરમાય રહ્યું છે અને ખેડૂતો સાથે છેતરપિંડી કરાઇ રહી છે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યુ હતું કે આ આંદોલનમાં જેમને શહીદી વ્હોરી તેમનું શું ? ખરેખર તો તમામ બાબતો અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. તેમણે એમ પણ જણાવ્યુ કે ખેડૂતોએ તાપ,ઠંડી, વરસાદ તમામ કુદરતી આફતો વ્હોરી મોટી સંખ્યામાં મહિલાઓ થકી આંદોલન કરેલ છે ત્યારે હવે ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર મતોની લાલચે આ કાયદા પાછા ખેંચી લે જેથી સાબિત થાય છે કે તેઓ ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.