ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પણસોલી ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સામાજીક વનીકરણ વિભાગના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં ખેડૂત ઉત્પાદક સંસ્થા દ્વારા નીલગીરી ચંદન મિલીયા ડુબીયા સાગ વિગેરેને લગતી જાણકારી આપીને ખેડૂતો દ્વારા ઉત્પાદન થતી વસ્તુઓનું વેચાણ જો સંગઠન કરીને કરવામાં આવે તો ભાવ વધારે મળી શકે છે, એવી સમજ આપવામાં આવી. ખેડુતો પોતાના ખેતરમાં રહેલા વૃક્ષોમાંથી વધુમાં વધુ ઉપજ મેળવીને વધુ વૃક્ષો ઉછેરવા પ્રેરાય તે વાત પર ભાર મુકવામાં આવ્યો. ખેડુતો એક જુથ થઇને પોતાની ઉપજો વેચવા સંગઠિત થાય તો સારો ભાવ મેળવી શકે એવી સમજ આપવામાં આવી, અને તે માટે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું જણાવાયુ હતુ.
આયોજિત કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. રામગોપાલ શર્મા અગ્ર મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર, સી સી એફ શશી કુમાર તથા ભરૂચ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગના વડા ભાવનાબેન દેસાઈ તેમજ સામાજિક કાર્યકર રતિલાલ રોહિત રાજપારડીના ફોરેસ્ટર હેમંતભાઇ કુલકર્ણી ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓએ ખેડૂતોની વાતો સાંભળીને તેમના પ્રશ્નો વિષે સમજ આપી હતી. કાર્યક્રમમાં ખેડૂતોના સંગઠન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન ઝઘડિયા તાલુકાના રેન્જ ફોરેસ્ટર રાજપારડીના હેમંતભાઈ કુલકર્ણીએ કર્યું હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ