ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં દીપડાઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો નોંધાયો હોય તેવી ઘટનાઓ હાલ પ્રકાશમાં આવી રહી છે, એમાં પણ હવે દીપડાની હાજરી રહેણાંક વિસ્તારો નજીક જોવા મળતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે તો વન વિભાગની ટિમો રેસ્ક્યુ કરવાની કામગીરીમાં જોતરાઇ હોય તેમ લાગી રહ્યું છે, પ્રથમ નેત્રંગના રહેણાંક વિસ્તારમાં દીપડાની હાજરી અને હવે ભરૂચ, અંકલેશ્વર વચ્ચે મુલદ ગામ નજીક દીપડાનું અકસ્માતે મોત થવાની ઘટનાઓ ઉપરથી કહી શકાય છે કે દીપડાની હાજરી રહેણાંક વિસ્તારમાં પ્રવેશી ચુકી છે.
ગત મોડી રાત્રીના સમયે ભરૂચ, અંકલેશ્વર વચ્ચે ને.હા ૪૮ પર મુલદ ગામ ખાતે હાઇવે ક્રોસ કરતી વેળા દીપડો વાહનની અડફેટમાં આવી જતા ગંભીર રીતે ઘવાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. જે ઘટના બાદ દિપડાને જોવા માટે મોટી સંખ્યામાં લોક ટોળા એકત્ર થયા હતા જે બાદ હાઇવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, ઘાયલ દિપડા અંગેની જાણકારી વન વિભાગને કરવામાં આવતા તેઓએ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા, વન વિભાગના કર્મીઓએ સ્થળ પર જઈ ઘાયલ દીપડાનું દિલધડક રેસ્કયુ ઓપરેશન હાથધરી તેને રસ્તા પરથી સાઇડ ઉપર ખસેડી તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
હારુન પટેલ : ભરૂચ