આજે લાભ પાંચમનો દિવસ એટલે ભરૂચ જીલ્લાનાં વેપારીઓ માટે મહત્વનો પર્વ એમ કહી શકાય. નુતન વર્ષના દિવસે વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી હતી તેની સાથે વીતેલ વર્ષના ધંધાનું પણ સમાપન કર્યું હતું. નુતન વર્ષના દિવસથી લાભ પાંચમના દિવસ સુધી વેપારીઓએ પોતાના ધંધા બંધ રાખ્યા હતા જેના પગલે ભરૂચ જીલ્લાનાં બજારોમાં ચહલપહલ જણાઈ ન હતી તેમજ માર્ગો પણ સૂમસામ જણાઈ રહ્યા હતા. આવી પરિસ્થિતીમાં આજે લાભ પાંચમના દિવસે શુભ મુહૂર્તમાં વેપારીઓએ નવા વર્ષમાં ધંધાની શરૂઆત કરી હતી.
વેપારીઓના જણાવ્યા અનુસાર છેલા બે વર્ષથી કોરોના મહામારીનાં પગલે ભરૂચ જીલ્લાનાં વેપારીઓને ખૂબ મોટો આર્થિક ફટકો પડયો હતો. કોરોના મહામારીનાં આર્થિક ફટકામાંથી વેપારીઓ માંડ પગભર થાય ત્યાં મોંધવારીના પગલે ધંધામાં ખૂબ મંદી જણાતી હતી. આવી આર્થિક અને કટોકટી ભરેલ પરિસ્થિતીમાં આજે લાભ પાંચમનાં દિવસે વેપારીઓએ નવા વર્ષના વેપારની શરૂઆત કરતાં પહેલા પ્રભુને પ્રાર્થના કરી હતી કે નવા વર્ષમાં ધંધાને પ્રભાવિત કરે તેવી કોરોના જેવી મહામારી ના આવે તેમજ ધંધા અને રોજગારમાં બરકત રહે એવી પ્રાર્થના કરી હતી. વેપારીઓએ શ્રીજી ભગવાન અને લક્ષ્મીજીનું પૂજન કર્યું હતું.