ભરૂચ શહેરમાં લૂંટારૂઓ જાણે કે બેફામ બન્યા હોય તે પ્રકારનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સતત લોકોથી ધમધમતા વિસ્તારમાં ધોળે દહાડે એક પરપ્રાંતીય યુવક સાથે લૂંટની ઘટનાને અંજામ આપી અજાણ્યા લૂંટારુએ પોલીસે સામે પણ પડકાર ફેંક્યો છે.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના હાર્દ સમા પાંચબત્તી વિસ્તારમાં તિલક રામરાજ કુમાર ગુપ્તા પોતાના કામ અર્થે આવ્યા હતા તે દરમિયાન રિલીફ ટોકીઝ પાસે કોઈક અજાણ્યા ઈસમ દ્વારા તેઓ પાસે પહોંચી જઇ માસ્કના નામે તેઓને ધમકીઓ આપી તિલક ગુપ્તા પાસે રહેલ રોકડ રકમ રૂપિયા બે હજાર તેમજ ત્રણ હજારની કિંમતનો એક મોબાઇલ ફોનની તેઓને ધાક ધમકીઓ આપી લૂંટ કરી સ્થળ પરથી ફરાર થઇ જતાં ચકચાર મચ્યો હતો.
ઘટના બાદ તિલક ગુપ્તાએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ઈસમ સામે લૂંટ અંગેનો ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે, મહત્વની બાબત છે કે સતત લોકોથી ધમધમતા પાંચબત્તી વિસ્તારમાં ગત બપોરના સમયે બનેલ ઘટનાના પગલે સમગ્ર મામલો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
હારૂન પટેલ-ભરૂચ