દહેજથી સેલવાસ પી.ટી.એ પાવડરનો જથ્થો લઈને જતાં ડ્રાઇવરની લાશ ભરૂચ જિલ્લાના નબીપુર ગામ પાસે 28 તારીખના રોજ મળી આવી હતી. આ અંગે ભરૂચ જિલ્લાની પોલીસની સાથે સાથે સુરત જિલ્લા પોલીસ પણ આરોપીઓને શોધવા કામે લાગી હતી. એલસીબીના માણસોને બાતમી મળી હતી. કે આ ઘટનાના આરોપી માંગરોળ તાલુકાના કોઠવા ગામના પાટિયા પાસે ઊભા છે, અને સેલવાસ તરફ જઈ રહ્યા છે જે બાતમીના આધારે આ બંનેને એલસીબીએ ઝડપી પાડયા હતા. તેમની અંગજડતી કરતા તેમની પાસેથી રૂ. 5,81,000 મળી આવ્યા હતા. ટેન્કરને લૂંટી નરૂલ ઈસ્માઈલ હોદ્દા તેમજ અબ્દુલ અઝીઝ ખાન નામના બે લુટારુએ આ ડ્રાઈવરને મારી નાંખી તેની લાશ નબીપુર પાસે વગુસણા ગામ નજીક ભરૂચથી વડોદરા જવાના માર્ગ પર રોડની સાઇડમાં કાંસમાં ફેંકી ટેન્કરમાં ભરેલ પાઉડરની લૂંટ ચલાવી ફરાર થયા હતા.
તેઓને પાસે રહેલ રૂપિયા વિશે વધુ પૂછપરછ કરતા આ પાઉડર તેમણે અનિલભાઈ નામના ઈસમને સસ્તામાં વેચાણથી આપી દીધો હતો અને મુકેશ યાદવની હત્યા કરી તેમ કબૂલ્યું હતું. પોલીસે તપાસ કરતા પોલીસને 31 ટન પાઉડરનો જથ્થો મળી આવ્યો હતો. 31 ટન પાવડરની સાથે આરોપીઓ પાસેથી મળેલા રોકડા રૂપિયા, મોબાઈલ મળી કુલ 30 લાખ 57 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.