ભરૂચ જિલ્લા રોહિત બચત, ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના હોદ્દેદારોની વરણી હાથ ધરાતા પ્રમુખ તરીકે જગદીશ પરમારની સતત બીજી ટર્મમાં બિનહરીફ વરણી થઈ હતી. મંત્રી તરીકે પણ ભુપેન્દ્રસિંહ ગોહિલ પણ બિનહરીફ નિયુક્ત કરાયા હતા. જ્યારે ઉપપ્રમુખ તરીકે હરીશભાઈ સોલંકી અને મેનેજીંગ ડિરેકટર તરીકે નરેન્દ્રભાઈ કટારીયાની વરણી થઈ હતી.
ભરૂચ જિલ્લા રોહિત બચત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની સ્થાપના વર્ષ 2016 માં થઈ હતી. રોહિત સમાજના સેવાભાવી લોકોએ ગામડાઓ ખૂંદી લોકોને સમજાવી સહકારી મંડળીની શરૂઆત કરી હતી. સમાજના વિકાસ માટે સમર્પિત મંડળીની ટીમે શરૂ શરૂઆતથી જ પારદર્શી અને કરકસરભર્યા વહીવટનો અભિગમ રાખ્યો હતો. પ્રથમ ત્રણ વર્ષમાં તમામ વહીવટીય ખર્ચ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પોતાના ખિસ્સામાંથી ભોગવી જિલ્લામાં એક આદર્શ મંડળીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મંડળીમાં સમાજના લોકોએ મુકેલા એક એક રૂપિયાનો સમાજના જરૂરિયાતમંદો માટે ધંધા રોજગાર સહિતના કામો માટે નજીવા દરની લોન સહાય માટે ઉપયોગ થયો છે. પાંચ વર્ષમાં 682 જેટલા લોકોને રૂપિયા 80 લાખ ઉપરાંતની લોન સહાય આપી મંડળી રોહિત સમાજના લોકો માટે સંકટ સમયની સાંકળ પુરવાર થઇ છે.
આ ઉપરાંત મંડળીએ સમાજની મહિલાઓ, યુવાનો અને વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ નિર્માણ માટે પણ યથાયોગ્ય પ્રયાસો કર્યા કર્યા છે. મંડળીના ડિરેક્ટરોના સુચારુ વહીવટ અને સભાસદોના સાથ અને સહકારથી સફળતાનાં પાંચ વર્ષ પૂર્ણ થતાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને હોદ્દેદારોની બિનહરીફ વરણી થતા સભાસદોમાં ખુશીનો માહોલ ઉભો થયો છે. આ પ્રસંગે મંડળીના ડિરેકટર અને શિક્ષક એવા હરેન્દ્રભાઈ ભગતને ભરૂચ અને નર્મદા જિલ્લા માધ્યમિક શાળાઓના કર્મચારીઓની કો.ઓપ. ક્રેડિટ સોસાયટીમાં વિશેષ સલાહકાર સભ્ય તરીકે નિયુક્ત કરતા તેમનું બહુમાન કરાયું હતું.