આસો મહિનાની શુક્લપક્ષ બારસની તિથિ એટલે વાઘ બારસ. અગિયારસ અને બારસની તિથિ આ વર્ષે એકસાથે છે. વાઘ બારસનું સૌથી વધારે મહત્વ ગુજરાતમાં હોય છે. વાઘબારસને ‘ગૌવત્સ દ્વાદશી’ ના નામે પણ ઓળખાય છે.
ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વાઘ બારસ પર્વ મનાવાય છે જેમાં વાણીની દેવી મા સરસ્વતીની પૂજા થાય છે, તો આદિવાસી સમાજના લોકો વાઘનું પૂજન કરતા હોય છે. વાઘ બારસ પર્વથી રાત્રે ઘરની બહારના ગોખમાં અને અંદર દિવાઓ પ્રગટાવવાની શરૂઆત થઇ જાય છે. વાઘ બારસના દિવસથી જ ગુજરાતના વેપારીઓ પોતાના બધા કામ પૂર્ણ કરી દે છે. જૂની લેવડ-દેવડના બધા ચોપડાઓના હિસાબ પતાવી દેવામાં આવે છે, ત્યારબાદના આગળના દિવસોમાં વ્યવસાયિક નાણાકીય વ્યવહારો કરવામાં આવતા નથી. ત્યારબાદ નવા ચોપડાઓ સાથે નવો હિસાબ માંડવામાં આવે છે.
ગુજરાતના પૂર્વીય ભાગોમાં ડાંગ સહિતના જંગંલ વિસ્તારોમાં રહેતા આદિવાસી સમાજના લોકો વાઘની દેવતા તરીકે પૂજા કરે છે. અહીં વાઘ અને નાગ દેવતાના રૂપમાં પૂજાય છે. પોતાના જીવ અને પ્રાણીઓની સલામતિ માટે શ્રદ્ધા સાથે પૂજા કરવામાં આવે છે. વાઘ બારસને ‘ગૌવત્સ દ્રાદશી’ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ નિમિત્તે ગાય અને તેના વાછરડાનું પૂજન કરાય છે જેથી આ દિવસને ‘વસુ બારસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
વાકબારસને આપણે મોટાભાગે લોકોને વાઘબારસ બોલતા પણ સાંભળીએ છીએ, અહીં વાક એટલે વાણીની વાત છે. વાક એ વાચાની દેવી મા સરસ્વતીની પૂજાની વાત છે. મા સરસ્વતી આપણી વાચા, ભાષાને સારી રાખે, આપણી વાણીથી કોઈની લાગણી ન દુભાય તે માટે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે મા લક્ષ્મીની પૂજા કરતા પહેલા મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. વાક શબ્દ લોકબોલીમાં વાઘ થઈ ગયો અને ત્યારબાદ આ તહેવારમાં વાઘને સંદર્ભમાં રાખી વાઘ બારસ તરીકે પણ ઓળખાવા લાગ્યો.