કેરાલાના એક એકલવીર યુવાને મોંઘવારી સામે સાયકલ પર સવાર થઈ અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો છે. દેશમાં દિન પ્રતિદિન વધી રહેલી મોંઘવારીએ સામાન્ય માનવીનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. ત્યારે કેરાલાના કૂર્લમ શહેરમાં રહેતા મોહમ્મદ રફી નામના એક યુવાને મોંઘવારી સામે સાયકલ યાત્રા યોજી અનોખો અવાજ ઉઠાવ્યો છે. કેરાલાથી સાયકલ યાત્રા પર દિલ્હી જવાની નેમ લીધી છે. ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે આવી પહોંચેલા મોહમ્મદ રફી સલીમે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે હાલ દિન પ્રતિદિન આસમાનને આંબી રહેલી મોંઘવારીના વિરોધમાં હું કેરાલાથી દિલ્હી સુધી સાયકલ યાત્રા પર નીકળી મોંઘવારી સામે અવાજ ઉઠાવીશ.
છેલ્લા એક વર્ષથી કિસાનો આંદોલન કરી રહ્યા છે છતાં પણ સરકાર કોઇ નિરાકરણ ન લાવતી હોવાના આક્ષેપ કર્યા હતા. મોહમ્મદ રફી સલીમે વધુમાં જણાવ્યું હતું કે સાયકલ યાત્રાનો મુખ્ય હેતુ દેશમાં દિન પ્રતિદિન આસમાનને આંબી રહેલી મોંઘવારી પ્રતિ સરકાર જાગે અને પેટ્રોલ ડીઝલના કૂદકેને ભૂસકે વધી રહેલા ભાવ અંકુશમાં લાવે તે માટે મે સાયકલ યાત્રા યોજી છે. ૨૯ મી સપ્ટેમ્બરના રોજ કેરાલાના કુર્લમથી સાયકલ પર નીકળેલા મોહમ્મદ રફી સલીમ ૩૦૦૦ કિમીનું અંતર કાપી દિલ્હી પહોંચશે.
યાકુબ પટેલ, પાલેજ