ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના વરદ હસ્તે ભરૂચ તાલુકાના નંદેલાવ ગામની રૂા.૫૧૮.૬૭ લાખના “નલ સે જલ” ની પાણી પુરવઠા યોજનાનો ભૂમિપૂજનનો કાર્યક્રમ નંદેલાવ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, લોકોને અપુરતા પાણી, ક્ષારયુક્ત પાણી અને અનિયમિત પાણીની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તી મળે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે, રાજ્ય સરકાર દ્વારા નંદેલાવ ગામના લોકોને કોઈ પણ રીતે પાણીની તકલીફ ન પડે તે માટે નલ સે જલની યોજના દ્વારા રૂા.૫૧૮.૬૭ લાખના ખર્ચે ૩૨૬૪ ઘરોને આ યોજના હેઠળ લાભ મળશે. આ યોજના પુર્ણ થયે ભરૂચ તાલુકાના નંદેલાવ ગામે લોકભાગીદારીના નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત પાણી પુરવઠા યોજના હેઠળ કુલ ૨૪૮૫૦ થી વધુ વસ્તીને આ યોજનાનો લાભ મળશે. તેમણે ઉમેર્યું હતું કે સંવેદનશીલ અને પ્રગતિશીલ રાજ્ય સરકાર દ્વારા નલ સે જલ યોજના દ્વારા આ કાર્યને વર્ષ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાની નેમ ઉપાડી છે, જેના પરિણામે નલ સે જલની આ યોજનાઓ થકી ભરૂચ જિલ્લાને આંતરીયાળ વિસ્તારના લોકોને પણ પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર કાર્યશીલ છે.
જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી ધર્મેશભાઇ મિસ્ત્રીએ પ્રાસંગિક ઉદબોધનમાં નલ સે જલ યોજના અંતર્ગત નંદેલાવ ગામમાં લોકોને પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે તેમ જણાવ્યું હતું. નંદેલાવ ગામના સરપંચ રતિલાલ ચૌહાણે સ્વાગત પ્રવચન કર્યું હતું. આજે કરાયેલ ભૂમિપૂજનમાં કુલ ૬ ઝોનમાં આર.સી.સી ઉંચી ટાંકી, આર.સી.સી ભૂગર્ભ સમ્પ,પીવીસી રાઇઝીંગ મેઇન વિતરણ પાઇપ લાઇન, પમ્પીંગ મશીનરી, નળ કનેકશન,નવા પમ્પ રૂમ,વીજળીકરણ અને પારદર્શક બોર્ડની કામગીરી હાથ ધરાશે.
ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલની નાયબ મુખ્ય દંડક તરીકે વરણી થતાં નંદેલાવ ગ્રામજનો ધ્વારા શાલ ઓઢાડી – સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ કોમલબેન, જિલ્લા- તાલુકા પંચાયતના સભ્યો, આગેવાન પદાધિકારીઓ, વાસ્મોના અધિકારીગણ, નંદેલાવ ગ્રામ પંચાયતના સદસ્યો, ગામ આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.