ભરૂચ અર્બન હેલ્થ સેન્ટરનાં M.P.H.W તરીકે છેલ્લા દોઢ વર્ષથી કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવતા કર્મચારીઓને વેતન ન ચૂકવવામાં આવતા આજે ભરૂચ કલેકટર સમક્ષ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
અર્બન હેલ્થ સેન્ટરનાં કર્મચારી સુનિલ પ્રજાપતિએ જણાવ્યુ હતું કે અમારો કોન્ટ્રાકટ રદ્દ કરી દેવામાં આવતા તેમજ છેલ્લા લાંબા સમયથી M.P.H.W નાં પગાર ન થતાં આજે કલેકટરને રૂબરૂ મળી પોતાના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે માંગ કરી હતી.
ભરૂચના અર્બન વિસ્તારોમાં સંપૂર્ણપણે વેકશીનેશન કામગીરી કરવામાં આવી છે. આગામી સમયમાં બાળકોની વેકસીન પણ બાકી હોય આવા સમયે છેલ્લા બે મહિનાથી M.P.H.W ના 18 કર્મચારીનો પગાર પણ થયો નથી. આથી આજરોજ કલેકટરને અમોએ રજૂઆત કરી છે કે અમોને છેલ્લા બે મહિનાનું વેતન ચૂકવવામાં આવે. આગામી સમયમાં દિવાળીના તહેવારો હોય આથી અમારું વેતન અમોને આપવામાં આવે. આ વિષે વધુમાં જણાવ્યુ હતું કે ભરૂચ આરોગ્ય શાખા દ્વારા જણાવાયું કે તમારે મે.એમ.જે સોલંકી એજન્સી પાસેથી વેતન મેળવવું અને એજન્સી જણાવે છે કે આરોગ્ય શાખા પાસેથી વેતન મેળવવું, દિવાળીનાં પર્વો પર અમોને વેતન માટે અવારનવાર ધક્કા ખવડાવતા સત્તાધીશોને અમારી માંગણી છે કે અમો અત્યંત જરૂરિયાતમંદ પરિવારમાંથી આવીએ છીએ તો અમોને અમારું વેતન આપવું જોઈએ તેમજ કોન્ટ્રાકટ રદ્દ ના કરે અને કામ મળી રહે તેવી કલેકટર સમક્ષ માંગણી કરી હતી.