ભરૂચ શહેરમાં ઠેર-ઠેર અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજની કામગીરી અધૂરી હોય, ભરૂચના વોર્ડ નં. 1 થી 11 માં અનેક જગ્યાઓએ ડ્રેનેજ લાઇન અને ચોકઅપ તૂટી જતાં શહેરીજનો પરેશાનીમાં મુકાઇ જાય છે આથી આજે ભરૂચના વિપક્ષી નેતા સમસાદ અલી એન. સૈયદ દ્વારા જી.યુ.ડી.સી. ના અધિકારીઓએ અને સુપરવાઈઝરની સાથે બેઠક કરી ભરૂચ નગરપાલિકા ઓફિસરની મુલાકાત લઈ આ ડ્રેનેજ લાઇનની કામગીરી તેમજ ચોકઅપ વગેરે કામોને તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવાની લેખિતપત્ર પાઠવી માંગણી કરી છે.
આ લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર ભરૂચ શહેરના વિવિધ વોર્ડના વિસ્તારમાં ઘણા વર્ષોથી ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું છે. ડ્રેનેજ લાઇનના ચોકઅપ તૂટી જતાં જાહેર માર્ગો અને સોસાયટીમાં ગટરોના ગંદા પાણીનો ભરાવો થાય છે. આ વિષે આજે વિપક્ષી નેતા અને નગરસેવકોએ સાથે મળી જી.યુ.ડી.સી. ના અધિકારીઓ, સુપરવાઈઝર સાથે નગરપાલિકા ઓફિસરની રૂબરૂ મુલાકાત લઈ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ તકે વિપક્ષી નેતા સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, પૂર્વ વિપક્ષી નેતા સલિમ અમદાવાદિએ રજૂઆત કરતાં ખ્યું હતું કે ભરૂચના જે વિસ્તારોમાં ડ્રેનેજની કામગીરી બાકી હોય તે વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે આ ડ્રેનેજના કાર્યો પૂર્ણ કરવાની માંગણી કરી હતી.
ભરૂચના અનેક વિસ્તારોમાં ચેમ્બરોનાં ઢાંકણા તૂટેલા છે ત્યાં નવા ઢાંકણા નાંખવામાં આવે તેમજ જે જગ્યાએ ડ્રેનેજ લાઇનનું પાણી ઓવરફલો થઈ રહ્યું છે ત્યાં ડ્રેનેજ લાઇનની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. વોર્ડ નં.2 માં ખુશ્બુ પાર્ક, આમેના પાર્ક, લક્ષ્મી નગર, મદની પાર્ક સહિતના વિસ્તારોમાં લેવલ મેઇન્ટેન ન થવાને કારણે પણ અધૂરી કામગીરી છે. આ જગ્યાઓ પર બુસ્ટર પંપ બેસાડી લોકોને ડ્રેનેજની સુવિધા પૂરી પાડવામાં આવે તેમજ વોર્ડ નં. 1 થી 11 સુધીમાં ડ્રેનેજ લાઇનના કામ તાત્કાલિક ધોરણે પૂરા કરવામાં આવે તથા મહંમદપુરાથી બાયપાસ સુધીના રોડનું પેચવર્કનું પણ અધૂરું કામ પૂરું કરવામાં આવે તેવી ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસર સમક્ષ માંગણી કરવામાં આવી છે.