લીડ બેંક સેલ, બેંક ઓફ બરોડા ભરૂચ દ્વારા સરકારી યોજનાકીય તથા ખાનગી લોન અંગે ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે “ધિરાણ સુગમતા કાર્યક્રમ” જિલ્લા કલેક્ટર યોગેશભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં નેટવર્ક ડીજીએમ વિણાબેન શાહ, બેંક ઓફ બરોડાના રીજીયોનલ મેનેજર સચિન વર્મા, ડેપ્યુટી રીજીયોનલ મેનેજર ડી.કે.ચૌધરી, એસ.બી.આઈ.ના આસીસ્ટન્ટ મેનેજર પ્રવિણકુમાર, બેંક ઓફ ઇન્ડિયાના એજીએમ શીતલબેન જાધવ, ડીડીએમ નાબાર્ડ અનંત વરધને, બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના ડીઆર એમ, વોમેક્સ શાહ, લીડ બેંક મેનેજર જીગ્નેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લાની લીડ બેંક, બેંક ઓફ બરોડા, તેમજ જિલ્લાની વિવિધ બેંકોને આપેલ નિર્ધારિત લક્ષ્યાંક મુજબ તા.૧૬ થી તા.૨૬ ઓક્ટોબર સુધીમાં રૂ.૧૨૬.૪૧ કરોડનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું છે તથા રૂ.૫૮ કરોડના ધિરાણની ચુકવણી કરવામાં આવી છે. કુલ-૨૧૨૩ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. “ધિરાણ સુગમતા કાર્યક્રમમાં” કલેક્ટર યોગેશભાઈ ચૌધરી તથા બેંક ઓફ બરોડાના ડીજીએમ વિણાબેન શાહ તેમજ મહાનુભાવોના હસ્તે લોન મંજૂરીપત્રો તેમજ ચેક એનાયત કરાયા હતા.
કાર્યક્રમનું દિપ પ્રગટાવીને ખુલ્લો મુક્યા બાદ જિલ્લા કલેક્ટર યોગેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીના જમાનામાં બેંકીંગ સેવાઓ ગ્રાહકોને વધુ પ્રાપ્ત થાય તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓનો લક્ષ્યાંક સિધ્ધ થાય તે રીતના પ્રયાસો કરવા ઉપસ્થિત બેકીંગ અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે જિલ્લાની વિવિધ બેંકો દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશ બદલ શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે કાર્યક્રમના સ્થળે વિવિધ બેંકો દ્વારા સ્ટોલ ઉભા કરીને સ્પોર્ટ લોન આપવાની તથા યોજનાકીય સમજ આપવા અંગેના સ્ટોલોનું જિલ્લા કલેક્ટર યોગેશભાઈ ચૌધરી તેમજ મહાનુભાવોના હસ્તે રિબીન કાપીને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
બેંક ઓફ બરોડાના ડીજીએમ(નેટવર્ક) વિણાબેન શાહે માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું મિશન સબકા સાથ – સબકા વિકાસ – સબકા વિશ્વાસ – સબકા પ્રયાસ તે દિશામાં બેંક ઓફ બરોડા દ્વારા કામગીરી હાથ ધરાઈ રહી છે તેમ જણાવી બેકીંગ સુવિધા કેવી રીતે ઉપલબ્ધ બની શકે તેનું ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેમણે બેકીંગ સંસ્થાઓ અને રાજ્યની અમલીકરણ એજન્સીઓના સંકલન અને લોકોને વધુમાં વધુ લાભ થાય તે આશયના ભાગરૂપે આત્મનિર્ભર ભારત સ્વનિર્ભર બની રોજગારીનું સર્જન થાય અને લોકોને સરળતાથી ઘર આંગણે ધિરાણ મળે તેવો આજના આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે તેમ જણાવ્યું હતું. લીડ બેંક મેનેજરશ્રી જીગ્નેશભાઈ પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની વિવિધ બેંકોના પ્રતિનિધિઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.