ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે નગરપાલિકાના વોર્ડ નંબર ૩,૪ અને ૮ માટેનો સેવાસેતુનો કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ વેળાએ ઈન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઇ ચૌધરી, નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ, નગરપાલિકાના પ્રમુખ અમીતભાઈ ચાવડા, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરિયા, નગરપાલિકાના ચીફ ઓફીસર સંજયભાઇ સોની ઉપસ્થિત રહયા હતા.
સેવાસેતુ કાર્યક્રમનું દિપ પ્રગટાવી ખુલ્લો મુકયા બાદ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે, લોકોને ઘર આંગણે જ સરકારી સેવાઓ મળી રહે, લોકોને અકારણ જિલ્લા-તાલુકાના ધક્કા ન થાય તેમજ લોકોના સમય તથા પૈસાનો વ્યય ન થાય તે માટે રાજય સરકાર દ્વારા સાતમા તબકકાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૫૬ જેટલી સરકારી સેવાઓ લોકોને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવા કટિબધ્ધ હોવાનું જણાવી નગરજનોને સેવાસેતુ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
નગરપાલિકાના પ્રમુખ અમિતભાઇ ચાવડાએ પ્રાસંગિક ઉધબોધનમાં સેવાસેતુ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા દરેક નગરજનોને આહવાન કર્યું હતું.નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઇ સોનીએ સ્વાગત પ્રવચન કરી સાતમા તબકકાના સેવાસેતુ કાર્યક્રમની વિગતો આપી હતી. આ વેળાએ સેવાસેતુ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ તેમજ મહાનુભાવો દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના અંતર્ગત એક એક લાખના ચેક સાત સખી મંડળને એનાયત કરવામાં આવ્યા હતા.
ભરૂચ નગરપાલિકા દ્વારા યોજાયેલા “સેવા-સેતૂ” કાર્યક્રમમાં નગરપાલિકા વોર્ડ નંબર ૩,૪,૮ ના સભ્યો, આગેવાન પદાધિકારીઓ, અમલીકરણ અધિકારીગણ, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ સહિત આગેવાન પદાધિકારી-અધિકારીઓએ વિવિધ વિભાગોના ઉભા કરાયેલા સ્ટોલની પણ મુલાકાત લઇ થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.