ભરુચ નેશનલ હાઇવે નંબર 48 ઉપરથી અંકલેશ્વરથી ભરુચ તરફ જતાં રોડ પર આવેલ કાકા પાર્કિંગ હબમાં સીઝ કરાયેલ ટ્રક નંબર GJ 12 AT 6313 ના કેબિનમાં બનાવેલ ચોરખાનામાંથી તથા પાછળ આવેલ ફાળકામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.
ભરુચ પંથકમાં દિવસેને દીવસે દારૂના વેચાણનું કામ ઘણું વધવા પામ્યું છે ત્યારે બુટલેગરો પોતાના આર્થિક ફાયદા માટે કોઈ પણ રીતે કોઈ પણ જગ્યા પરથી કોઈ પણ અવસ્થામાં દારૂ વેચાણ માટે મંગાવી રહ્યા છે. ગુજરાત રાજ્ય એક દારૂ નિષેધ રાજ્ય છે ત્યારે રાજ્યમાં દારૂ આવે છે ક્યાથી તે તપાસનો વિષય બને છે.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર, નેશનલ હાઇવે 48 ઉપર અંકલેશ્વરથી ભરુચ તરફ જતાં રોડની સાઇડે હિલ્ટન હોટલની પાછળ આવેલ કાકા પાર્કિંગ હબ નામના પાર્કિંગમાં અલગ અલગ ગાડીઓ સીઝ કરીને મુકવામાં આવેલ હતી જે મુજબ ભરુચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરતાં ટ્રકના કેબિનમાં અલગ અલગ જગ્યાએ બનાવેલ ચોરખાનામાંથી તથા કેબિનના ઉપરના ભાગેથી તથા પાછળના ફાળકામાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ ફુલ નાની મોટી બોટલ નંગ-૬૩૬ કિંમત રૂપિયા ૨,૨૫,૬૦૦/- તેમજ ટ્રક નંબર GJ 12 AT 6313 કિં.રૂ .૧૦,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ-કિં. રૂ. ૧૨,૨૫,૬૦૦/- નો મુદામાલ કબ્જે કરી ત્રણ અજાણ્યા ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા તેઓને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.