ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના છેવાડાના સિગામ ગામમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખના પોલટ્રીફાર્મમાં 7 થી વધુ કેમિકલ્સથી પાર્ટી ડ્રગ્સ એફેડ્રિન બનાવવાની ધમધમતી ફેક્ટરીને SOG એ 26 ઓગસ્ટે ઝડપી પાડી હતી. ₹9.46 લાખના ડ્રગ્સ બનાવવાની ગુપ્ત પ્રયોગશાળામાં 53 દિવસથી ફરાર મુખ્ય સૂત્રધાર તાલુકા કોંગ્રેસ પ્રમુખનો પુત્ર ભવદીપસિંહ યાદવને SOG એ ભરૂચમાંથી પકડી લીધો છે.
જંબુસર તાલુકાના સિગામ ગામે આવેલાં પોલ્ટ્રી ફાર્મમાં એફેડ્રીન ડ્રગ્સ બનાવવાની ચાલતી લેબ પર SOG ની ટીમે સતત બે દિવસ વોચ રાખ્યા બાદ 26 ઓગસ્ટએ દરોડો પાડી 3 આરોપીઓને ઝડપી પાડયા હતાં. પોલ્ટ્રી ફાર્મનો માલિક અને જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખનો પુત્ર જે ડ્રગ્સ બનાવવા માટે આર્થિક સહાય પુરી પાડતો હોય તે મળી આવ્યો ન હતો તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.
ભરૂચ SOG ટીમે સીગામ ગામે આવેલાં જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવના પુત્ર ભવદિપસિંહના પોલ્ટ્રી ફાર્મ પર દરોડો પાડ્યો હતો. પોલ્ટ્રી ફાર્મની એક ઓરડીમાં ભવદિપસિંહના સાગરિતો અમનસિંઘ નરેન્દ્રસિંઘ, નિતેષ રામપ્રકાશ પાંડે તેમજ ઓમપ્રકાશ રામલાલ સાકરિયાને પોલીસે ઝડપી પાડયા હતાં.
આરોપીઓએ વિવિધ 7 કેમિકલોનું મિશ્રણ કરી તેના પ્રોસેસિંગ બાદ એફેડ્રીન ડ્રગ્સ બનાવતાં ટીમે સ્થળ પરથી 730 ગ્રામ પાવડર સ્વરૂપમાં અને 4 લીટર પ્રવાહી સ્વરૂપમાં એફેડ્રીન ડ્રગ્સ જપ્ત કર્યું હતું.
SOG એ ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પાસેથી 53 દિવસથી ફરાર ભવદીપસિંહ મુકેન્દ્રસિંહ યાદવને ઝડપી પાડયો છે. જેના રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ છે. ભવદીપસિંહએ કેવી રીતે લેબ ઉભી કરી, ક્યાં ક્યાંથી કેમિકલ્સ મેળવ્યું હતું. સમગ્ર નશીલો કારોબાર કેવી રીતે પાર પાડતાં હતાં તેની તપાસ શરૂ કરી છે.