આગામી ૧૯ મી ઓકટોબરના રોજ મુસ્લિમ સંપ્રદાયના અતિ મહત્વના ઇદે મિલાદ પર્વની ઉજવણી માટે મુસ્લિમ સંપ્રદાયના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઇદે મિલાદ પર્વ નિમિત્તે પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મસ્જિદો, દરગાહો તેમજ પોતાના મકાનોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે.
ઇસ્લામ ધર્મના મહાન હજરત મુહમ્મદ પયગંબર સાહેબના જન્મ દિવસની ૧૨ મી રબી ઉલ અવ્વલના દિવસે ખુબ જ ઉત્સાહ પૂર્વક મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ૧૨ દિવસ સુધી મસ્જિદોમાં વિશેષ કાર્યક્રમો પણ આયોજિત થતા હોય છે. જ્યારે ઇદે મિલાદના દિવસે મુસ્લિમ સંપ્રદાયના લોકો હજરત મુહમ્મદ પયગંબર સાહેબના મુએ મુબારકની જિયારત કરી ધન્યતા અનુભવે છે.
આગામી મંગળવારના રોજ ઇદે મિલાદ પર્વની ઉજવણીના ભાગરૂપે પાલેજ નગરની મક્કા મસ્જિદ સહિત નગરના વિવિધ વિસ્તારોમાં આવેલી મસ્જિદો તથા દરગાહો રોશનીથી ઝળહળી ઉઠી છે. પાલેજ પંથકના હલદરવા, વરેડિયા, નબીપુર, કંબોલી જેવા ગામોમાં મસ્જિદો, દરગાહો તેમજ મકાનોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. આગામી ઇદે મિલાદ પર્વ નિમિત્તે પાલેજ નગર સહિત પંથકના ગામોમાં મુસ્લિમ સંપ્રદાયના લોકો તડામાર તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે.
યાકુબ પટેલ, પાલેજ