ભરૂચના ટંકારીયા ખાતે કાર્યરત સેવાભાવી સંસ્થા શૈખૂલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત સિફા દવાખાનાને એક એમ્બ્યુલન્સ અર્પણ કરાઇ હતી. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરાયો હતો. ત્યારબાદ અલગ અલગ આલીમોએ નાઅત શરીફના ગુલદસ્તા રજુ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. ત્યારબાદ સામાજિક કાર્યકર અબ્દુલ કામથી એ સિફા દવાખાનાની કામગીરીની વિસ્તૃત છણાવટ સાથે સુંદર માહિતી હાજર જનોને પૂરી પાડી હતી. તેઓના જણાવ્યા અનુસાર ૧૧ માસ દરમિયાન સિફા દવાખાના માં ૨૩,૬૦૦ દર્દીઓએ લાભ લીધો હતો. લાભ લેનાર દર્દીઓને ખુબ જ સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે એમ તેઓએ જણાવ્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી ઇદે મિલાદના પવિત્ર પર્વ પર નિ:શુલ્ક દવા આપવામાં આવશે. સંસ્થા તરફથી વ્હીલ ચેર બેડ, ઑક્સિજન બોટલની સેવા પણ આપવામાં આવે છે. જે સંસ્થાની સરાહનીય કામગીરી હોવાનું તેઓએ જણાવ્યું હતું. એમ્બ્યુલન્સમાં ફાળો પ્રદાન કરનાર તમામ નામી અનામી ગામના તેમજ વિદેશમાં વસતા ગામના સખીદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા સૈયદ હમજા અશરફ અશરફી સાહેબના હસ્તે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા હજરત સૈયદ હમજા અશરફ અશરફી સાહેબે હાજર જનોને સંબોધતા જણાવ્યું હતું કે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના સૌજન્યથી જે સેવાઓ પ્રદાન થઈ રહી છે તે એક ખૂબ પ્રશંસનીય કામગીરી થઇ રહી છે.
૧૧ માસના ટુંકાગાળામાં ટ્રસ્ટના સદસ્યોએ ખુબ સારી જહેમત ઉઠાવી સેવાકિય પ્રવૃત્તિઓને વેગ આપ્યો એ ખૂબ સરાહનીય કામગીરી કહેવાય. સંસ્થાને આગળ લઈ જવા કદમથી કદમ મિલાવીને સહકાર આપવાની જરૂર છે એમ તેઓએ જણાવ્યું હતું. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટને સહકાર આપવા અનુરોધ કર્યો હતો. એમ્બ્યુલન્સ માટે સખી દાતાઓ મદદરૂપ બન્યા તે સુંદર કાર્યને તેઓએ બિરદાવ્યું હતું.
સંસ્થા વિશે બોલતા તેઓએ જણાવ્યું હતું કે સંસ્થા તો બની જાય છે પણ મુકાબલા શરૂ થઇ જાય છે. પરંતુ જો એક સંસ્થાએ અન્ય સંસ્થા સાથે જો મુકાબલો કર્યો તો સમજો કે વાત પૂર્ણ થઈ ગઈ. સંસ્થાએ સંસ્થાનો મુકાબલો ન કરવો જોઈએ પરંતુ સંસ્થાનો હેતુ શું છે તે ધ્યાને રાખવું જોઈએ. ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ થતા કટોકટીના સમયે એમ્બ્યુલન્સ સેવા ગ્રામજનો માટે ફળદાયી નિવડશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને ગામના આગેવાન મુસ્તુફા ભાઈ ખોડા, ઉસ્માન લાલન તેમજ યુવાનોએ ખુબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. અંતમાં દુઆઓ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું.
યાકુબ પટેલ, ભરૂચ