ભરૂચ શહેરના જંબુસર બાયપાસ પાસેથી ગત તારીખ 1 લી ઓક્ટોબરના રોજ વહેલી સવારે ૫ – ૧૫ વાગ્યાના અરસામાં એક ઈનોવા ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર RJ-27-UA-7467 કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી પલાયન થઈ જતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જંબુસર બાયપાસ ખાતે રહેતા જશવંત કુમાર બાલુરામ કલાલ મૂળ રહે. રાજસ્થાનના પોતે બાલાજી માર્બલની દુકાન ધરાવે છે તેઓની ઈનોવા ગાડી ઘર આગળ કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી હતી. જે ઈનોવા ગાડી પહેલી ઓકટોબરના રોજ વહેલી સવારે ૫ – ૧૫ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ચોર ઇસમે સ્ટાર હાઇટ્સ સાઇટ દુકાન નંબર એકના આગળના ભાગેથી ચોરી કરી પલાયન થઈ ગયો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. ચોરી સંદર્ભે જશવંતકુમારે તારીખ ૧ લી ઓક્ટોબરના રોજ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ચાર દિવસ વિતવા છતાં હજુ સુધી ઈનોવા ગાડીનું કોઈ પગેરું મળી શકતું નથી જે બાબતે જશવંતકુમારે મંગળવારના રોજ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ચોરી થયેલી ગાડી બાબતે પોલીસ ઝડપથી તપાસ કરે એ માટે તેઓએ માંગ કરી છે તેમજ પોલીસ તપાસ વિશે પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. પરંતુ પાંચ દિવસ વિત્યા છતાં પોલીસને તસ્કરોનું કોઈ પગેરું ન મળતા તેઓએ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકને આ બાબતે ઘટતું કરવા અપીલ કરી હતી. તેઓએ કોઈ ગેંગ ગાડીઓ ચોરીને અંજામ આપતી હોય તેવું પણ નિવેદનમાં જણાવ્યું હતું હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તસ્કરો સુધી કેટલી ઝડપથી પહોંચશે તે તો આવનારો સમય જ બતાવશે.