ભરૂચની વડદલા આઇ.ટી.આઇ ખાતે ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો હતો. આ ભરતી મેળામાં ૧૩ જેટલા જુદા જુદા ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહયા હતા. એપ્રેન્ટીસ ભરતીમેળામાં ઉપસ્થિત ૧૯૪ માંથી ૧૧૭ જેટલા ઉમેદવારોને એપ્રેન્ટીસ તરીકે પસંદગી આવી હતી.
આ વેળાએ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં યુવાનોને રોજગારીની તકો પુરી પાડવા સ્કીલ ડેવલોપમેન્ટ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે કહયું કે રાજય સરકારે પણ મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ જુદા જુદા એકમોમાં રોજગારીની તકો ઉભી કરી છે. તેમણે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવા સાથે યુવાનોને તાલીમ થકી મેળવેલા કૌશલ્યનો ઉપયોગ કરી ઉજજવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઔધોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લાના ઉધોગોના પ્રતિનિધિઓને પોતાના સીએસઆર ફંડમાંથી આઇટીઆઇના વિકાસ માટે સહયોગ આપે તેવો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે આઇ.ટી.આઇના આચાર્ય પ્રકાશભાઇ એચ.બોરીચા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી એપ્રેન્ટીસ ભરતી મેળાની માહિતી આપી હતી.