પાલેજથી નારેશ્વર જતો માર્ગ ખૂબ જ બિસ્માર બનતા વાહનચાલકો ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે. માર્ગ ઉબડખાબડ બનતા વાહનચાલકો માટે શિરોવેદના સમાન બનવા પામ્યો છે. મીડિયા ટીમ દ્વારા માર્ગની મુલાકાત લેતા માર્ગ ઉબડખાબડ હાલતમાં જોવા મળ્યો હતો. તો બીજી તરફ સ્થાનિકોએ બિસ્માર માર્ગ બાબતે ભારે આક્રોશ ઠાલવ્યો હતો જ્યારે મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેષ પરમારે માર્ગમાં ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો કર્યા હતા.
હાલ ચાલી રહેલા સમારકામ બાબતે પણ મિનેષ પરમારે સવાલો ઉઠાવ્યા હતા. તેમજ પાલેજ – નારેશ્વર માર્ગને પહોળો બનાવવા અને મજબૂતીકરણ માટે માંગ કરી હતી. રેતી ભરીને વહન કરતા ડમ્પરો માર્ગને બિસ્માર બનાવવા માટે પણ કારણભૂત હોવાનું મિનેષ પરમારે નિવેદનમાં જણાવ્યું હતું. પાલેજ – નારેશ્વર માર્ગનું નવીનીકરણ હાથ ધરવામાં આવે એવી ગ્રામજનો તેમજ વાહનચાલકો દ્વારા પ્રબળ માગ ઉઠવા પામી છે.
યાકુબ પટેલ, કરજણ