નેત્રંગમાં તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં સાડા ત્રણથી ઇંચથી વધુ વરસાદ થતાં ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનમાં વરસાદની ઘટ વચ્ચે ભાદરવા માસના પ્રારંભની સાથે જ મેધરાજા જાણે ટાર્ગેટ પુરો કરવાના મુળમાં હોય એમ લાગી રહ્યું છે. નેત્રંગ તાલુકામાં આ વર્ષે ૧૬,૮૯૦ હેક્ટર જમીનમમાં વિવિધ પાકોનું વાવેતર કરાયું હતું. ખાસ કરીને તમામ પાકોમાં પાણીની જરૂરીયાત હોય છે. ચોમાસું તદન નબળું રહેતા ધરતીપુત્રો ચિંતિત જણાઇ રહ્યા હતા. જોકે મોડે-મોડે મેધરાજા મન મુકીને ધમાકેદાર બેટિંગ કરતાં સર્વત્ર આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ સાથે નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદ પડી હતો. વીજળીના કડાકા-ભડકા સાથે ૨૪ કલાકમાં સાડા ત્રણથી ઇંચથી વધુ વરસાદ થતાં રોડ-રસ્તા ઉપર પાણી ફરી વળ્યું હતું.નદી-નાળા, તળાવ, ચેકડેમ અને તમામ જળાશયો વરસાદી પાણીથી છલોછલ ભરાઇ ગયા હતા.
જેમાં મુખ્યત્વે આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન બલદવા, પીંગોટ અને ધોલીના પાણીના સ્તરમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો. બલદવા ડેમના ઉપરવાસમાં ૨૪ કલાકમાં ૪.૧૬ ઇંચ વરસાદ થવાથી ડેમ ઓવરફ્લોની સપાટીથી ૧.૮ મીટર દુર છે. પીંગોટ ડેમના ઉપરવાસમાં ૨૪ કલાકમાં ૩.૩૩ ઇંચ વરસાદ થવાથી ડેમ ઓવરફ્લોની સપાટીથી ૧.૪૫ મીટર દુર છે. જ્યારે ધોલી ડેમના ઉપરવાસમાં ૩.૩૩ ઇંચ વરસાદ થતાં ઓવરફ્લોની સપાટીથી એક ઇંચ જેટલો ઓવરફ્લો થઇ રહ્યો છે. મોસમ વિભાગ આગામી બે-ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરતા બલદવા અને પીંગોટ ડેમ ગણતરીના દિવસોમાં જ ઓવરફ્લો થઇ શકે છે. જ્યારે નેત્રંગ તાલુકાનો મૌસમનો કુલ ૩૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.