ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘમહેર જામી છે, ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગઇકાલથી આજ સવાર સુધી વધુ વરસાદ ખાબકયો હતો. જિલ્લાના ૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદી માહોલ રહેતા ધરતી પુત્રો સહિત લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત બપોરથી વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. હવામાન ખાતાથી મળેલ માહિત અનુસાર ભરૂચ પંથક સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી છે.
ભરૂચ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે તો કેટલાકના ઘરો ડૂબી જવા પામ્યા છે. કાસદ ગામ ખાતે દીવાલ પડતા એક વ્યક્તિનું મોત નીપજવા પામ્યું હતું. ભાદરવો પૂરો થવાનો હોય તેમ વરસાદી માહોલના આગમનથી ઠેરઠેર પાણી ભરાયા હતા. કરજણ નદીમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયુ છે. જયારે આજ સવારના છ વાગ્યા સુધીના આંકડા જોતાં અંકલેશ્વરમાં 55 મિમી, વાલિયા 35 મિમી, ભરૂચ 95 મિમી, નેત્રંગ 9 મિમી, ઝઘડિયા 19 મિમી, વાગરા 49 મિમી, હાંસોટ 55 મિમી, આમોદ 16 મિમી, જંબુસર 8 મીમી વરસાદ નોંધાયો હતો.
મહત્વનું છે કે ચોમાસાની ઋતુમાં જિલ્લામાં જ જુલાઈના અંત અને ઓગષ્ટ માસમાં છૂટો છવાયો વરસાદ રહેતા ધરતી પુત્રો અને લોકોમાં ચિંતા પ્રસરી હતી અને ઓગસ્ટ માસમાં સિઝનનો કુલ વરસાદ ગત વર્ષ કરતા ૫૦ ટકા પણ ન રહેતા લોકો આ વર્ષે ચોમાસુ નબળુ જશે તેવી ચર્ચાઓમાં જોતરાયા હતા, પરંતુ સપ્ટેમ્બર માસમાં જાણે કે ભાદરવો ભરપૂર હોય તેમ ચાલુ વર્ષે સિઝનનો કુલ વરસાદી આંક 90 ટકા સુધી પહોંચી ગયો છે અને હવામાન વિભાગની આગાહીની જેમ જ વરસાદી માહોલ જિલ્લામાં વરસી રહ્યો છે જેને પગલે વાદળ છાયા વાતાવરણ વચ્ચે લોકો ઠંડકનો અનુભવ કરી રહ્યા છે.