ચાલુ વર્ષ ૨૦૧૮મા શહેરના એ – બી – સી ડીવીઝનમાં કુલ ૨૦ થી વધુ ઘરફોડ અને ચોરી નોંધાઈ
તસ્કરોના બુલંદ હોંસલા જોઈ પોલીસવડા નારાજ
ભરૂચ શહેર જિલ્લામાં તસ્કરોએ છેલ્લા બે માસમાં તરખાટ મચાવી પોલીસને ચેલેન્જ આપવાનું ચાલુ કર્યું હોય તે રીતે ચોરી અને ઘરફોડ નાં બનાવો શહેર ની એ-બી અને સી ડીવીઝનમાં નોંધાયા છે.
ગત બે વર્ષમાં ચોરીના આંકડાઓની તપાસ કરતા રીડર શાખામાંથી મળતી માહિતી મુજબ તસ્કરોએ ભરૂચ જિલ્લામાં આતંક મચાવ્યો હતો, ગત બે વર્ષમાં તસ્કરોને લીધે કાયદો અને વ્યવસથા જાળવવામાં પોલીસની ઢીલી રીત અને નીતિ જવાબદાર હોવાનું કહેવાય છે.
ભરૂચ જિલ્લામાં છેલ્લા બે માસમાં ઘણા ચોરી અને ઘરફોડના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જે નોંધાયેલ ચોરી અને ઘરફોડના આંકડાની સમીક્ષા કરતા પોલીસ વડા જીલ્લાના અધિકારીઓ ઉપર કોપાયમાન થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું પોલીસબેડીમાં ચર્ચાઈ રહ્યું છે.
જીલ્લા પોલીસ વડા સંદીપસિંહની વારંવારની તાકીદ અને સૂચનાઓ છતાં નાઈટ પેટ્રોલિંગ અને તપાસની ધીમીગતિથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. હોમગાર્ડ અને ગ્રામ્ય રક્ષક દળની અપૂરતી સંખ્યાબળ અને પોલીસતંત્રના ઉપર અવિરત કામના ભારણના પગલે કર્મચારીઓની કામ કરવાની આપ ખુદ શાહીને કારણે તસ્કરો અને ઘરફોડિયાઓના હોંસલા બુલંદ થવા પામ્યા હોવાનું કહેવાય છે. જેના પગલે ભરૂચ શહેરના નગરજનોમાં છૂપો ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે. છેલ્લા બે વર્ષમાં તસ્કરોએ મચાવેલ આતંક બાદ પોલીસ તેમને પકડવામાં નાકામ રહી હોવાના કારણો પોલીસના તપાસના આંકડાઓ સ્પષ્ટ પરીસ્થીનાં દર્શન કરાવે છે.
પોલીસબેડીમાં ચાલતી ચર્ચા મુજબ જીલ્લા પોલીસ વડાએ ક્રાઈમ કોન્ફરન્સ દરમ્યાન સખત સૂચનાઓ આપી તેના ઉપર અમલવારી કરી કાયદો અને વ્યવસ્થાની કથળતી જતી હાલત ઉપર કાબુ મેળવવા જણાવ્યું હતું. જો તેમ કરવામાં કૉઈ અમલદાર ચૂક કરશે તો તેમને ખાતાકીય કાયદાઓનો સામનો કરવાનું તૈયાર રહેવાનું ચીમકી પણ ઉચ્ચારી હતી, તેમ છતાં કેટલાક ડીવીઝનના પોલીસ અધિકારીઓ આજે પણ પોલીસ સ્ટેશનમાં આવ્યા બાદ તેમના ચેમ્બરોમાંથી ડોકિયું કરવામાં પણ આળસ ચઢે છે અને નીચલા કર્મચારીઓ ઉપર ટોપલો ઠાલવી પોતે સહી સલામત રહી જલસા કરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હોવાનું કહેવાય છે.
વર્ષ ૨૦૧૮ના શરૂઆતના મહિનાઓ જાન્યુઆરી અને ફેબ્રુઆરી નો પોલીસ ચોપડે નોંધાયેલ ચોરીના આંકડાઓ જોતા એ ડીવીઝનમાં ૦૬, બી ડીવીઝનમાં ૦૪ અને સી ડીવીઝનમાં ૧૦ જેટલી ઘરફોડ અને ચોરી મળી કુલ ૨૦ જેટલી ફરિયાદો પોલીસ મથકમાં નોંધાઈ છે. આ તસ્કરોની ધમાકેદાર એન્ટ્રી જોતા જીલ્લા પોલીસવડાએ નાયબ પોલીસવડાને લેખિત સૂચના આપી અને આવનાર દિવસોમાં ઘરફોડ અને ચોરીના ફરિયાદોમાં નિકાલ કરી તમામ તપાસના કાગળો અને અહેવાલો સાથે હાજર રહેવાનું જણાવ્યું હોવાનું કહેવાય છે.
ભરૂચ જીલ્લાના છેલ્લા બે વર્ષ દરમ્યાન થયેલી ઘરફોડ અને ચોરીઓના આંકડાની સમીક્ષા કરતા જીલ્લા રીડર શાખાના રેકોર્ડ ઉપરથી મળતી માહિતી
વર્ષ ૨૦૧૬મા જિલ્લામાં નોંધાયેલ ગુના
કુલ ઘરફોડ – ૧૪૧ ડિટેકટ ઘરફોડ – ૫૦ અનડિટેકટ ઘરફોડ – ૯૧
|
ચોરી અને વાહન ચોરી
ચોરી – ૩૫૯ ડિટેકટ ચોરી – ૧૪૪ અનડીટેકટ ચોરી – ૨૧૫
|
વર્ષ ૨૦૧૭મા જિલ્લામાં નોંધાયેલ ગુના
કુલ ઘરફોડ – ૧૪૬ ડિટેકટ ઘરફોડ – ૨૮ અનડિટેકટ ઘરફોડ – ૧૧૮ |
ચોરી અને વાહન ચોરી
કુલ ચોરી + વાહન ચોરી – ૩૫૯ ડિટેકટ ચોરી + વા.ચોરી – ૧૨૩ અનડીટેકટચોરી + વા.ચોરી- ૧૪૯ |