સમગ્ર ભરૂચ જિલ્લાને કોરોના મહામારીમાંથી છુટકારો મળ્યા બાદ આજે ભરૂચ જિલ્લો ખાડા ગ્રસ્ત તરીકે જાહેર થયો છે. ભરૂચ જિલ્લાના તમામ માર્ગો જેમાં રેલ્વે સ્ટેશનનો માર્ગ, બાયપાસનો માર્ગ તે સાથે ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાનાં માર્ગો પર મસમોટા ખાડા પડી ગયા છે.
ભરૂચની જનતા કરોડો રૂપિયાનો ટેક્સ ભરી રહી છે ત્યારે ટેક્સ વપરાઇ છે ક્યાં એ મોટો પ્રશ્ન છે. ભરૂચ જીલ્લામાં વપરાતું મટિરિયલ પણ કેવું વાપરવામાં આવે છે જેથી દર વર્ષે રસ્તાઓમાં મસમોટા ખાડા પડી જાય છે. ગતરોજ ભરૂચ નગરપાલિકા પ્રમુખ દ્વારા રસ્તાઓનું પેચ વર્ક કરવામાં આવ્યું હતું જેથી પેચ વર્ક કરવું એ સમાધાન નથીની પ્રજાની બૂમો ઉઠી છે. દર વર્ષે ચોમાસુ શરૂ થાય તેની સાથે જ રસ્તાઓના સમારકામને લઈને રજૂઆતો કરવા સરકારી આંગણાઓમાં ધક્કા ખાવા પડતાં હોય છે. જે બાદ તમામ આગેવાનો દ્વારા રસ્તાઓના સમારકામને લઈને આંદોલનો કરવા પડે છે.
ભરૂચ રેલ્વે સ્ટેશનથી મહંમદપુરા અને ત્યાંથી જંબુસર બાયપાસનાં રસ્તાની હાલત પણ ઘણી બિસ્માર બની છે. બીમાર દર્દી માટે પણ ઘણો મુશ્કેલ રસ્તો બને છે. તે જ રીતે જંબુસર બાયપાસથી દેરોલ સુધીનો રસ્તો પણ અત્યંત બિસ્માર હાલતમાં છે જેથી ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા આજરોજ નગરપાલિકા દ્વારા અનસૂની કરેલ વાતને ધ્યાનમાં રાખી અને ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી હતી અને જો વહેલીતકે કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન હાથ ધરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.